છોટાઉદેપુર જિલ્લા નાં માખનિયા ડુંગર ઉપર ચાર મિત્રોની યાદગાર સફર...

છોટાઉદેપુર જિલ્લા નાં માખનિયા પર્વત યાદગાર પ્રવાસ...

        હાલમાં અત્યારે મોટાં ભાગે દિવાળીના વેકેશન નો સમય ચાલી રહ્યો છે.ત્યારે દિવાળી પર્વ ની ઉજવણી પુરી ધામધૂમથી કર્યા બાદ હવે પ્રારંભ ના શિયાળા ની ઠંડી ની શરૂઆત નાં દિવસો આવી રહ્યા છે ત્યારે આ અંધારી રાતોમાં આ વિસ્તારના ગામડાઓમાં આખ્યાનો,ઝાયણી ની રમઝટ અને ગુરુ ચેલાઓ ના સ્નેહ મિલન નાં નાનાં-મોટાં પાટ પ્રકાશ નાં કાર્યક્રમો માં ગુરુવાણી નો લ્હાવો લેવાં માટે આ અંતરિયાળ આદિવાસી ક્ષેત્રે ના ગામડાં નાં રસ્તાઓ માં અવર જવર જોવા મળે છે.તો એક તરફ પ્રાકૃતિક વાતાવરણ ધરાવતાં રાઠ પ્રદેશમાં આવેલ અંગ્રેજોના સમય થી મેંગેનીઝ ખાણોથી જાણીતાં ડુંગરો ની હારમાળા માં ઘોર જંગલો આવેલા છે.પંચમહાલ ના સરહદે આવેલી આ ધારદાર પર્વતમાળા,જે રતનમહાલ અને જાંબુઘોડા અભ્યારણ નો ભાગ માનવામાં આવે છે,અહીં આ ઘોર જંગલોના ડુંગરાઓ ની ગુફાઓ માં કે ટૂંકો પર પ્રાચીન સમયના આદિવાસી સમુદાય અને  હિંદુ ધર્મ ના અનેક દેવી દેવતાંઓના મંદિરો,કલાકૃતિઓ,મૂર્તિઓ ધરાવતાં ધાર્મિક સ્થળો જોવાં મળી આવે છે.તો બીજી તરફ આજનાં સમયમાં અનેક પ્રકારની મુસીબતો અને ચિંતા માનવી ને કોરી ખાય છે.શું કરવું ? ન કરવું.એજ નય સમજાય ત્યારે થોડાં પળ માટે આવા સમયે માનવી ને પ્રકૃતિ ના ખોળે શાંતિ નું ચરણ મળી રહે છે.જેને પામવા માટે આધુનિક યુગના સમયમાં અનેક પ્રકારના માનવ દ્વારા આનંદ-ઉત્સાહ સાધનો અને સ્થળો નું નિર્માણ કરવાં માં આવ્યું છે. છતાં શાંતિ નું સ્થાન ત્યાં ગમે તે રીતે તો નથી જ કોઈને કોઈ રીતે તો ગુલામ જ બની રહે છે. ત્યાં તો પ્રકૃતિ ના ખોળે શાંતિ નો અહેસાસ એવી રીતે થાય છે કે જગ્યા છોડીને જવાનું મન જ નય થાય.આમ,હમેં પણ દિવાળી પર્વ ની ઉજવણી માં આ વર્ષે જોઈએ એવી મઝા નય આવતાં મન અને દિલ ની પ્યાસ બુઝાવા,પ્રકૃતિ ના સૌંદર્યનય અનેક નજારાંઓ ને દેખવા,ચાર પરમ સારથી મિત્રો મંડળ ની ટોળી સાથે માખનિયા ડુંગર ના અનેક રહસ્યોમય સ્થળો ની શોધ ને ભરપેટ આનંદ નો ખજાનો લૂંટવા નીકળી પડ્યાં....
        મારાં પરમ મિત્ર દિનેશભાઇ અને દિલીપભાઈ સાથે હું ઘોઘંબા થી શામળકુંવા,બાકરોલ,કદવાળ ના રસ્તે,પાવાગઢ તરફથી દક્ષિણમાં હાથણી માતા,ભાભર, ઇટવાડાં, કેવડા ની દિવાલ જેવી હારમાળાની સાથે સાથે કદવાળ બજાર વટી ને પાણીબાર ત્રણ રસ્તા પર પહોંચ્યા જ્યાં સુરેશ ભાઈ ની ચા સ્ટોલ પર અમારો સાથી મિત્ર કાજર બારીયા દોઢ-બે કલાક થી બધી તૈયારી સાથે અમારી રાહ જોઈ રહ્યો હતો.સુરેશભાઈ ની મીઠી ચાં નો સ્વાદ લઈને અમે ચારેય મિત્રો માખનિયા તરફ રવાનાં થયાં.ગાડીમાં મજાક ભરી વાતો કરતાં વનવગડા ના માર્ગે રસ્તો એકદમ સાફ અને એટલો જ મનોહર પણ લાગતો હતો,ત્યાં બાજુમાં આંબખૂટ ભણી રતનમહાલ ના સાથી ડુંગરો સુખી ના જળમાં આવીને અમારી બાજું ડોકિયું કરી રહ્યા હતા.સુખી નું પાણી ક્યાંક ક્યાંક માર્ગ ની બનેં બાજું જોવા મળતું હતું.જાણે કોઈ વિશાળ મહાદ્વિપ પર આવી પહોંચ્યા હોય.....
         આછાં ધારદાર રાતીયા પથ્થરની પર્વત માળા પૂર્ણ થતાં રસ્તો વળાંક મારતાં રાતીયો ડુંગર જાણે સ્પર્ધામાં હમારી સાથે હારી ગયો હોય તેમ હમારી આગળ ઘુરખી રહ્યો હોય તેવો આભાસ કરાવતો હતો.એજ ક્ષણે નજર હટતાં માખનિયો રસ્તા ને અડીને ઉભેલ નજરે ચઢ્યો કે માર્ગ ની બીજી પાર સુખી તેનું જળ માખનિયા પર્વત રાજ નાં ચરણ સ્પર્શ કરવાં માટે ઊલાળા મારતું હતું.સુખી જળાશય ની પાસે ડાબા કાંઠા ની કેનાળે હમે વળી ગયાં જ્યાં થોડે આગળ સારસાપુરી નિવાસી જગતગુરુ કરુણા સાગર ભગવાનના મંદિર ની પ્રાગણ માં ગાડી પાર્ક કરીને ચારેય મિત્રો એ સાથે લાવેલ નાસ્તો કર્યો.ત્યારબાદ માખનિયા પર્વત ને નિહાળતાં નિહાળતાં કેનાળ નો પૂલ પાર કરીને બે ત્રણ ખેતરો માંથી પસાર થઈને પર્વત રાજ માખનિયા નાં ચરણોમાં પહોંચ્યાં....
     યુદ્ધ ભૂમિ માં જવા માટે સજ્જ થયેલ દૈવસૈનિક હોય તેમ આ શીલા રૂપી બખ્તરો પહેરીને અડીખમ ઉભા પર્વત રાજ ની શિલાઓ પણ આજ સુધી પોતાની હદ થી એક ડગ પણ આગળ વધી નથી.જાણે સોનેરી માટી રૂપી જમીન અને પર્વત શિલાઓ ની કોઈ સરહદ પહેલાં થી નિતિનિયમ મુજબ નક્કી કરવામાં આવેલ હોય.આ રહસ્ય પણ અનેકને વિચારતા તો કરી જ મૂકે છે.જ્યાં જમીન પુરી થાય છે ત્યાં શિલાઓ નું સામ્રાજ્ય શરૂ થાય છે. 
શું અદ્દભુત નજારો કુદરત નો ત્યાં આપોઆપ આખો વિસ્તાર બદલાય જાય છે.ખેતર નો છેડો પૂરો થતાં શીલા ની શરૂઆતમાં અહીંના સ્થાનિક લોકો દ્વારા શીલા પર એક ત્રિશુલ દોરેલ અને પાંચ-સાત ટીપણા કકું થી પાડેલ હતાં,અને ત્યાં નારિયેળ ફોડેલ પણ નજરે ચઢ્યું.ત્યાં  થી સમજાઇ ગયું કે સ્થાનિક આદિવાસીઓ આ પર્વત રાજ ને પૂજનીય માની ને તેની પુરી શ્રદ્ધા અને આસ્થા સાથે પૂજા કરે છે. જે પરંપરા સદીઓ થી ચાલતી હોય તેવો પુરાવો આપતું સ્થાનક શરૂઆત માં વિશાળ વડલાની નીચે મોજુદ જોવા મળે છે ત્યાં દેવ ના ખૂટડા ને વડલો પોતાના ખોળા માં લઈને શિલાઓ પર આરામ ફરમાવી રહ્યો છે.
    અહીં થી સીધું ચઢાણ ઉપર તરફ શરૂ થાય છે,જ્યાં રસ્તામાં અનેક વ્હાઇટ,કાળી રેતીયા પથ્થરો ની લાંબી લાંબી જાણે ગગને થી ઉતરતી હોય તેમ ડુંગર પર થી સાંધા વગર ની શિલાઓ ક્યાંક લપસણી તો ક્યાંક ખાબડ-ચીતરી બનેં છે.શીલાઓ પર જેતે સમયે કોઈ કારણોસર મોટી આપત્તિ ના કારણે શીલાઓમાં ઉભી આડી ફાંટો જોવા મળી આવે તેમાંથી ઝાડી ઝાંખરા અને વિશાળ વૃક્ષો બનેં છે,જે પર્વત રાજ ઉપર ચઢતાં મુસાફરો ની સેવામાં ઠંડી હવા નો અહેસાસ અને શાંતિ પ્રદાન કરાવી ને થાક ચૂસી લેય ને મુસાફરોને આગળ વધવાની હિંમત આપે છે.તો બીજી તરફ મુસીબતો અને ખતરા એ પણ અહીં માર્ગમાં જ જ્યાં ને ત્યાં પડાવ નાખેલ નજરે ચઢે છે.જો કોઈપણ નાની ભૂલ થઈ જાય એટલે બીજી જ ક્ષણે તેનું પરિણામ ભોગવવા માટે હમેશાં તૈયાર રહેવું પડે છે. અનેક શિલાઓ નીચે ની નાની-સાંકડી ભયજનક ગુફાઓ,થોર-કંટાળી વનસ્પતિઓ,શીલાઓ ના પડ નીચે થી ઉપર થી નીચે તરફ વહેતો જળ નો સ્તોત્ર અનેક શિલાઓ ને કેટલાંક અંતરે કોખલા બનાવી દીધા છે.જે પગ મુકતા પણ મોટી મુસીબત ઉભી કરી શકે છે.જેનાં ઉદાહરણ સ્વરૂપે અહીં માર્ગમાં પડેલ અનેક નાના-મોટા પથ્થર અને શિલા ના પડ(જે ચોમાસામાં મુશળધાર વરસાદ ના પાણી વહેણ ડુંગર પર થી નીચે આવતાં શિલાઓ ના ફાટ પાણીને જગ્યા નય મળતાં આખો પોપડો લઈને પલટાવી નાખે છે.)તો આ શીલા ફાટોમાં અજંગર, ઝેરી મોટા સાપ,જીવલેણ જીવજંતુઓ સહિત,ટીમરીયા વાઘ(દીપડાં),શિયાળ,રીંછ જેવાં અનેક નામી-અનામી વન્યપ્રાણીઓ નો વસવાટ જોવા મળી આવે છે,જેથી સાવધાન રહેવું ખૂબ જરૂરી છે.
         હમે ચારેય મિત્રો માર્ગમાં હસી મજાક ની વાતે એક બીજા ની મજાક કરતાં પ્રાકૃતિક શીલાઓ ની અનેક આકૃતિઓ ને મનભરીને જોતાં- વિચારતાં ફોનમાં ફોટો-વીડિયો સૂટ કરતાં એક આઝાદ રીતે ઉપર ની તરફ આગળ વધતા જતા હતા.દિનેશભાઇ કાજર ભાઈ થોડાં ઝડપભેર ચાલતાં હતાં ને દિલીપભાઈ અને મને બુમો પાડતાં હતાં. ને પોતાના મનગમતાં ગીતો ની કડીઓ ના સુર થી આખું વાતાવરણ ગુજાવતાં હતાં. જાણે કોઈ પોતાના નું પ્રિય ડુંગર ની ટૂંક પર સદીઓ થી અમારી રાહ જોઇને બેઠું હોય અને હમે તેને સદીઓ બાદ મળવા માટે જઈ રહ્યા હોય તેમ પર્વત રાજ નાં શિખરે વસેલાં સ્થળો અમને પોતાની તરફ બોલાવી રહ્યાં હતાં.રસ્તામાં બે ત્રણ જગ્યાએ  આરામ ફરમાવ્યા બાદ હમેં મધ્યમાં પહોંચ્યા જ્યાં અમને વડોદરા શહેર ની ટીમ મળી.તેઓ નવ-દશ મિત્રો સાથે મળીને દિવાળી વેકેશન નો લાભ લઈને આ માખનિયા નો પ્રવાસ ખેડવા આવ્યાં હતાં.તેંમની સાથે મુલાકાત કરીને અમને ખૂબ આનંદ થયો. ભેગાં મળીને થોડીવાર વાત કરીને આગળ વધ્યાં.દિનેશભાઇ,કાજર ભાઈ અને દિલીપભાઈ થાકી ને લથપથ થઈ ગયાં થોડું ચાલે ને આરામ ફરમાવતાં હતાં,જ્યાં માર્ગ ના પથ્થર ને ઝાડીઓ અડધો છાંયડો આપીને જાણે મનોમન કહેતી,"ભાઈ આ તો કંઇ નય કહેવાય મંઝિલ તો હજું આગળ તમારી રાહ જુએ છે, આમ કરશો તો કેમ ચાલશે...".જાણે આમ નાં મન ની વાત સમજી ગયાં હોય તેમ મારાં મિત્રો પણ પુરી હિંમત સાથે સીધાં ચઢાણ પર ના મેળ પડે તો ચારપગ(બે પગ અને બે હાથ નો સહારો)કરીને પણ આગળ વધતા રહ્યાં.પાણી ની ચાર-પાંચ બોટલો પણ ખાલીખમ થઈ પડી હતી.આમ,ઘણી મુશ્કેલીઓ બાદ હમેં ચાર મિત્રો અનેક વગડાં ના રંગ બે રંગી ફૂલો વચ્ચે થઈને પર્વત ના પ્રથમ સ્થાનક મંડપ નામની એક વિશાળ શીલા ની નીચે પહોંચ્યા,
જે છતની નીચેના પથ્થર પર લખાણ આવેલું છે. અને છત પર ચિત્રો આવેલા છે. છત પર અંદાજે ૧૧ ફૂટ લંબાઈ ૨ ફૂટ ૧૦ ઈંચ પહોળાઈમાં ચિત્રણ આવેલું છે.ગેરૂ રંગથી અઢીથી ત્રણ ઈંચ પહોળા રસ્તો બનાવેલો છે. જે રસ્તાની બન્ને કિનારીઓ સફેદ રંગથી દોરેલી છે. રસ્તાનો આકાર વાંકો ચૂકો દોરેલો છે. રસ્તાના ચિત્રને જોતા લાગે છે,
કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનો કોઈ ન કશો તૈયાર કર્યો હશે. તેની સાથે જ પથ્થર પર કોતરણી કરીને ચિત્ર તૈયાર કરેલું છે. જે કોતરણી શું કહેવા માંગે છે એ સ્પષ્ટ ઓળખી શકાતું નથી. તો સાથે જ ગેરૂ રંગથી બનાવેલાં મોટાં ચિત્રો છે તે પણ ચોક્કસ પણે ઓળખી શકાતા નથી. આ ચિત્રો અને કોતરણી ઉપર અણ સમજુ મુલાકાતીઓ ખોટાં ચિત્રો અને નામો લખેલાં જોવા મળે છે. જે ન કરવું જોઈએ.પથ્થરની નીચે જ સાઢાત્રણ લિટીમાં લખાણ આવેલું છે.આ લખાણને કોઈ વાંચી શક્યું નથી અને તેના વિશે કશું જાણી શકાતું નથી. લખાણની બિલકુલ ઉપર ૧૦ ફૂટના અંતરે બીજા પથ્થરની છત ઉપર ચિત્રો જોવા મળે છે.
     જ્યારે બાજુમાં લાડી અને વર તરીકે ઓળખાતા પથ્થરો આવેલા છે. આ સ્થળ સુખી બંધ તરફથી ડુંગર પર ચઢતા મંડપ તરીકે ઓળખાતું સૌથી પહેલાં આવે છે.અમે લાડી માતા,વરરાજા અને ધડ ને નિહાળ્યું,તેની આજુબાજુ દીવાઓ,માટલી ના ગરબા,ત્રિશૂળ જોવા મળતાં આ સ્થાનક ને પગે લાગીને આગળ વધ્યાં.જ્યાં પર્વત ની મધ્યમાં અનેક મોટી મોટી પથરાયેલી શીલાઓમાં બે બાપ ની બારી વાળો પથ્થર આવ્યો."જ્યાં ફક્ત એક બાપ નો વ્યક્તિ પ્રવેશ કરી શકે છે,બે બાપ નો હોય તે વ્યક્તિ એ બારીમાં ફસાઈ જાય છે.જેને બહાર નીકળવા માટે માનતા રાખવું પડે છે,એવી સ્થાનિક લોકો ની માન્યતા છે"આ પથ્થર ને જોતાં તો પળ વાર એવું લાગ્યું જાણે,"કોઈ એક પક્ષી પોતાના બચ્ચાં કે ઈંડાં નું રક્ષણ કરવાં પોતાની શીલા રૂપી પાંખોને  ફેલાવી જમીન પર સદીઓ થી બેસી ગયું હોય તેમ તે પથ્થર નજરો લાગતો.
જેથી તેનો આકાર પ્રાકૃતિક રચનાત્મક થી એવી રીતે રચાયેલ છે કે તે પથ્થર માં જ ગોળ ફરી શકાય છે.અને એક જ જગ્યાએ થી બહાર નીકળી શકાય.હું એક વિશ્વાસ ને હિંમત સાથે આ બારી માંથી પસાર થઈ ગયો પણ ત્રણ મિત્રો બારી માં પ્રવેશવા બિલકુલ ના પાડી દીધી.કાજર ના માથે તો ડર નું ભૂત પહેલાં થી જ સવાર હતું એટલે તેતો અમને બિલકુલ ના જ પાડતો હતો.ચારેય મિત્રો આ પથ્થર માં થોડીવાર આરામ ફરમાવ્યા બાદ હમે ચારે મિત્રો સેલ્ફી અને આજુબાજુના વિસ્તાર નો નજારો માણતાં આગળ વધતા માખનિયા ની કદાચ સૌથી ત્રીજા નંબરે ટૂંક પર આવેલ શીલા પર પહોંચ્યા. જ્યાં ત્રણેય તરફનો સુંદર પ્રાકૃતિક નજારો જોવા મળ્યો.દક્ષિણમાં છેક સુખી,ઔરસંગ નદીના પટ વટીને તેલાવ,ફેણાય ની આગળ રેવલી નાં સાથીદાર પર્વતો સુધી ઝાંખી નજરો મંડાતી હતી.તો પૂર્વમાં માખનિયા ને અડીને સુખી ડેમ નો અદ્દભુત નજરો સરદાર સરોવર ની યાદ અપાવી દેય એવો નાની-મોટી ટેકરીઓ ને દ્વિપ માં પરિવર્તન કરીને એક સાગર નું નામ રટણ કરાવી દે કદાચ.તેની ઉપર ઝોઝ,ભીલપુર જેવાં ગામડાં ની ધરતી ઉપર થી રતનમહાલ ની હારમાળાઓ,ઘૂંટનવડ,તેજગઢ નાં ડુંગર વચ્ચે વાઘસ્થળ નો ડુંગર ડોકિયું કરતો દેખાતો જેની તળેટીમાં જૂનું ઉદેપુર ને હાલનું છોટાઉદેપુર વસેલું છે.પશ્ચિમ દિશામાં માંથી ફૂંકાતાં ઠંડા પવન ની હળવી લહેર સામે જોતાં જાંબુઘોડા અભ્યારણ ક્ષેત્ર નાં ઝંડ,નારુંકોટ,પોયલી કેવડા જેવાં ગામડાંઓ ને પોતામાં સમેટીને ધારદાર પર્વતમાળા માખનિયા પાસે આવી ને ઉભી રહી જતી,તો તેની પર દેખાતાં પાવાગઢ નું મનોહર દ્રશ્ય મનને શાંતિ અને ધાર્મિકતાં તરફ ખેંચી જતું.આ બધાં ને મન માણી ને નિહાળું ત્યાં જ દિલીપભાઈ નો અવાજ સંભળાયો,"ભાઈ લક્ષ્મણ તળાવ આ બાજું છે આ બાજું આવો,આપણી પાસે સમય ઓછો છે એટલે એ પહેલાં જોઈ આવીએ ચાલો જલ્દીથી. દિનેશભાઇ સાથે હું એક બે ફોટો પાડીને એક મોટી ફાટ પડેલ ખાબર છતરીશીલા ના સહારે ઊતરી ને ઘાસ માં કેડી શોધતાં પાકી ઇટો નાં જથ્થા પાસે થઈને તળાવ પાસે પહોંચ્યા.
      ડુંગરની ટોચ ઉપર મધ્યભાગમાં પાપ અને પૂણ્યનું તળાવ આવેલું છે.તળાવના નૈઋત્ય ખૂણે એક તરફથી જળ માં ઉતરતાં શીલા પર કોતરણી કરીને લખેલું લખાણ જોવા મળે છે પણ કેટલાક અંશે શીલા નો ભાગ પાણી નાં લીધે કાળો રંગ ધારણ કરી લેતાં અને કેટલીક જગ્યાએ પોપડા નીકળી જતાં લેખ ઝાંખો દેખાય છે.આ લખાણ સ્પષ્ટ જોઈ શકાતું ન હતું..ખુલ્લા અને ઢળતા પથ્થર પર થેયલા આ લખાણ વરસાદ અને તડકાની અસર થવાથી તેને જોવામાં પણ અત્યારે તકલીફ પડે છે. જે દિનપ્રતિદિન ભૂંસાઈ રહ્યું છે.અન્ય લખાણોની જેમ જ આ લખાણ પણ લખાયેલું છે.તે કઈ લિપિમાં લખેલું છે તે ઓળખી શકાતું નથી.
તો તળાવમાં ચોખ્ખું જળ અમારો ચહેરો બતાવીને અરીસાની કમી પૂર્ણ કરતું હતું.ચારે તરફ કુદરત દ્વારા અલગ અલગ આકૃતિઓ માં કંડારેલી પથ્થર ની નાની-મોટી શીલાઓ,વનરાઈ ના ઝાડવાઓ,ગલગોટા,કરણ જેવાં રંગ બેરંગી ફૂલો નાં છોડવાંઓ આજુબાજુ આ બધું જોઈને મારી પ્રિય ઉર્મિલા ની યાદ આવી પણ અહીં પ્રકૃતિ ના ખોળે આધુનિક સમય નું ફોન નેટવર્ક આવ-જા થતું હતું.જેથી મનોમન તેનાં વિચારો માં ખોવાય જવાતું.તળાવ ને અડીને આવેલ ખડીયાત(ચેકડેમ)પાસે માખનિયો દેવ,માતા હિંડબા ની મૂર્તિ નું સ્થાનક આવેલ છે.જયાં વારે તહેવારે સ્થાનિક આદિવાસી સમુદાયના આદિવાસીઓ શ્રદ્ધા સાથે પૂજા અર્ચના કરે છે.કેટલીક માન્યતાઓ પર શ્રદ્ધા રાખી ને આજુબાજુ ના આદિવાસી સમાજ ના લોકો આજે પણ ડુંગર ના આ સ્થળ ને ખૂબ પવિત્ર માની ને તેની પૂજા કરે છે,
તો કેટલીક માન્યતાઓ અને લોકવાયકાઓ સાંભળતાં જાણવાં મળી જાય કે આ માખણીયો પર્વત મહાભારત ના સમયે હૈડંબા વનનો મુખ્ય મથક હતો અને હૈડંબા રાક્ષસી અને તેનો ભાઈ હૈડંબ અહિયાં રહેતાં હતાં ની અનેક માન્યતાઓ સાંભળવા મળે છે.આજે પણ આ ડુંગર નીચે હૈડંબ રાક્ષસ દબાવેલો છે જેને જાગૃત માનવામાં આવે છે, કેમ કે અહીંયા વર્ષ ના કેટલાક દિવસો માં  ડુંગર ના એકભાગે પથ્થરો ની શિલાઓ વચ્ચે લાળ નીકળતી જોવાં મળે છે.. જે આજ સુધી ખૂબ મોટું રહસ્ય છે,કહેવાય છે કે આજ થી ૫૦૦૦ હજાર વર્ષ પહેલાં મહાભારત ના સમયમાં આ પ્રદેશ હૈડંબા વન તરીકે ઓળખવામાં આવતો હતો.તે સમય દરમ્યાન પાંચ પાંડવો ગુપ્તવનવાસ ના સમયે અહીંયા આવ્યાં હતાં કહેવાય છે, તે સમયે ભીમ અને હૈડંબા સાથે મુલાકાત થતા ભીમે હૈડંબા ના ભાઈ હૈડંબ સાથે યુદ્ધ કરીને આ માંખણીયા પર્વત નીચે દબાવી દીધો હતો અને તેનાં પર સફેદ શીલા થી લીપણ કર્યું હતું જેથી આજે પણ તે પર્વત ને જોતા એવું લાગે કે શીલાઓ એકબીજા સાથે સિપકાવેલી હોય તેવું લાગે છે,આજે પણ તે હૈડંબ આ ડુંગરનીચે જાગૃત માનવામાં આવે છે,વર્ષમાં એક વખત પર્વતના એક ભાગે જીભડી હોળમાંથી લાળ જેવો પદાર્થ નીકળે છે,જે સ્થાનિક લોકોનાં જણાવ્યા અનુસાર એ લાળ હૈડંબ રાક્ષસના મોઢાંમાંથી બહાર આવે છે, આ લાળ ને સમયસર સારી રીતે સળગાવવામાં નય આવે તો આવતાં સમયમાં મોટો ખતરો સાબિત થાય છે,એવું આજુબાજુના આદિવાસી લોકો ના મુખે સાંભળવા મળે છે,અને જે લાળ જેવો પદાર્થ  હાલના સમયમાં જોવાં મળી શકે છે,તો માખનિયા દેવ નજીકમાં પાણીના વહેણ પાસે શિવ શક્તિ નું સ્થાનક આવેલ છે.
ભગવાન શિવ નું શિવલિંગ અને માતા પાર્વતી અને તેની સાથે ગણેશજી સાથે કાર્તિકેય ની મૂર્તિ ઓ અર્ધભગ્ન અવસ્થામાં જોવાં મળી આવે છે જેથી કહી શકાય છે કે માંખાણીય ડુંગર પર ભગવાન શિવ પૂરો પરિવાર વસવાટ કરે છે,સાથે અનેક કલાકૃતિ વાળી આકૃતિઓ,અને ખૂબ મોટાં પ્રમાણમાં લાલ રંગની ઇટો નો જથ્થો જોવાં મળી આવે છે.જેની પર જંગલી ઘાસે પોતાનું સામ્રાજ્ય સ્થાપી રાખ્યું છે. આ જગ્યા ને જોતાં નક્કી થાય છે કે જે તે સમયમાં આ પર્વત ઉપર એક વિશાળ નગર કે સ્થાનક હશે જ.જે કોઈ કારણોસર રાતો રાત ખડેર માં પરિવર્તન થઈ ગયું હોય.સ્થાનિક લોકો ના મુખે અહીં આવેલ જગ્યાઓ વિશે અનેક લોકવાયકાઓ સાંભળવા મળી આવે છે,પણ આ પર્વત ઉપર આગલાં સમય માં શું હતું એની મહાભારત ની હિંડબા ની વાત સિવાય આજ સુધી બીજી કોઈ માહિતી જાણવા મળતી નથી.પાપ અને પુણ્ય નાં તળાવ કાંઠે એક કેડી નાં સહારે દિનેશભાઇ સાથે હું આગળ દેખાતી મોટી શિલાઓ તરફ વધ્યાં જ્યાં એક વિશાળ માનવી ખોપડી જેવો આકાર ધરાવવતો પથ્થર અમને ડરાવી જ મૂક્યાં એક પળ તો...જેની રચના જોઈને દિનેશભાઇ એ નામ આપી દીધું હિંડબ ની ખોપરી.
ખૂબ જ ડરામણા લાગતાં પથ્થર પાસે અનેક પ્રાકૃતિક આકૃતિઓ ધરાવતાં નાની-મોટી બખોલ(ગુફાઓ)ધરાવતા પથ્થર જોવાં મળ્યાં જેમની પર જ્યાં ને ત્યાં ખરાબ લખાણ લખેલા હતાં. બનેં મિત્રો આમ તેમ જાણે માખનિયા માં ભૂલે પડ્યાં હોય તેમ ડોકયા કર્યાં.ત્યાં એક લાકડાં સાથે બાંધેલ નિસરણી વાળો પથ્થર નજરે ચઢ્યો.જેની પર ચઢવું જેમ તેમ ન હતું,પણ આ પથ્થર પર જે રહસ્ય હતું તે આખા ડુંગર પર ન હતું.એકવાર તો અડધે ચઢ્યો ને મનમાં વિચાર આવ્યો... "કદાચ લાકડું તૂટ્યું તો રામ રમી જશે અથવા પથ્થર પર જ રહી જવાશે,નથી ચડવું "આમ,વિચારીને ઉતરી ગયો.પણ જ્યાં એક બીજો વિચાર આવ્યો,"ના આવ્યાં છીએ તો ચઢીને જ જવાનું ભલે ને ગમે તે થાય.લાકડું તૂટે તો જોઈ લઈશું. પણ ચઢવું તો છે...જ..." આટલું કહીને બુટ મોજાં ઉતારીને ચઢ્યોને ચઢી ગયો.
ઉપર જઈને જોયું તો અલગ અલગ ઉંડા ને ઉતળા આઠ કુંડ હતાં. જેમાં ચાર કુંડ માં પાણી સુકાઈ ગયું ને ચાર માં પાણી અડધે કુંડે હતું,જેમાં ઘાસ અને સેવાળ વચ્ચે નિર્મળ જળમાં રંગ બે રંગી નાની નાની માછલીઓ પુરી આઝાદી સાથે ફરતી નજરે ચડી,આવી માછલીઓ હમેં બે તળાવમાં પર નય જોઈ જે આ કુંડોમાં જોઈ હતી.આ એક રહસ્ય થી ઓછું નય હતું અમારા માટે અને બાળપણમાં હું આ વિસ્તાર ના સ્થાનિક મોટી વય ના એક દાદા પાસે થી સાંભળેલું કે,"સુખી ને અડીને આવેલ માખનિયા ની ટોચે માનવી ની એક વિશાળ ખોપડી જેવાં આકર ની શીલા નજીક નાનાં-મોટાં પ્રાકૃતિક આઠ કુંડ ધરાવતો વિશાળ પથ્થર આવેલ છે.જેની ઉપર  ચોમાસાના સમયમાં પથ્થર ના નાનાં મોટાં કુડોમાં પાણી ભરાતા રંગબેરંગી રહસ્યમય માછલીઓ જોવાં મળી આવે છે જે કુડો માં પાણી સુકાતા અદશ્ય થઈ જાય છે.. 
જેને અમર માછલી તરીકે પણ ઓળખવામાં આવે છે,તો બીજી તરફ આ ડુંગર ની ટોચે તળાવ માં એક માછલી રહે છે,કહેવાય છે કે તે જે દિવસે દરિયા નું પાણી પીશે તે દિવસે દુનિયા નો નાશ થશે એવી કેટલીક માન્યતાઓ પર શ્રદ્ધા રાખી ને આજુબાજુ ના આદિવાસી સમાજ ના લોકો આજે પણ ડુંગર પર પૂજા કરે છે."આ લોકવાયકા કેટલી સાચી એતો હવે ખબર નથી.પણ હકીકતમાં હમેં માછલી નિહાળી ત્યારે અનેક વિચારો મનમાં રમતાં હતાં,ને મનમાં તે લોકવાયકા સાચી હોવાનું પણ લાગતું.કાજર અને દિલીપભાઈ ને સાદ પાડી ને બોલાવી લીધાં બાદ દિનેશભાઇ ને બતાવવા માટે મહામહેનતે પથ્થર પર ચઢાવ્યા.ત્યારબાદ દિલીપભાઈ.
આમ,કુંડો જોઈને નીચે ઉતરી ને શિલાઓ બખોલોમાં ફર્યા જ્યાં હમેશા ઠંડક પ્રસરેલી હતી.જોતાં જોતાં કાજર ના સથવારે એક મોટી શીલા માં પ્રવેશી ગયાં જ્યાં અંદાજે ૬૦૦-૭૦૦ જનમેદની એક સાથે રહી શકે. જાણે કુદરતે આપેલ ભાડાનું મકાન હોય,પણ તે કદાચ માનવી માટે નહીં પણ અહીં ના વન્યજીવો માટે.અનેક નાના મોટા ગોખલા ધરાવતી આ જગ્યા મન ને શાંતિ અને ઠંડક નો અહેસાસ તો કરાવતી હતી પણ પથ્થરો વચ્ચે નો અંધકાર તો બીજું જ કંઈ કહીં ને અમને સાવધાન રહેવાની સલાહ આપતો હતો.આખી ગુફામાં અમારો સ્વર ગુંજતો હતો.જ્યાં બીજી તરફ દિલીપભાઈ હિંડબ ની ખોપરી વાળા પથ્થર નીચે આરામ ફરમાવી રહ્યાં હતાં.અમે ત્રણેય ગુફાની અંદર લટાર મારતાં,પોતાની જિજ્ઞાસા ભર્યા સવાલો કરતાં કેડીએ પડ્યાં. જ્યાં સૂર્ય ધીમે ધીમે અસ્તાચલ તરફ વધી રહ્યો હતો.ને હમેં વેળાસર નીચે ઉતરી જઈએ એમ વિચારીને ઘડિયાળ નાં કાંટે ચાલવાનું શરૂ કર્યું.માખનિયા નાં રુંવાડા સમી જંગલી ઝાડીઓ દેખાવમાં સુંદર લાગતી હતી પણ ઢળતી સમી સાંજે કંઈક ડરામણી બનતી જતી હતી.અમારી મૂળ કેડી મળી જતાં તળાવ,બે બાપ ની બારીબારી,મંડપ શીલા જેવી જાણીતી જગ્યાઓ જોતાં,બીજી ઘણી રહસ્યમય જગ્યાઓને જોવાનું મૂકીને સમય ને મહત્વ આપી ઉતાવળે પગલે નીચે ઉતરવા માંડયા.રસ્તો ચઢતાં જેટલો સરળ હતો એટલો ઉતરતાં ખતરનાક હતો.ક્યાંક લપસી જવાય તો ક્યાંક કાંટાળી ઝાડીઓ કપડાં પકડે જાણે પૂછી રહી હોય,"ભાઈ હમણાં તો આવ્યાં હતાં રહેવું નહીં...એકાદ રાત પ્રકૃતિ ના ખોળે...".પણ અહીં કોણ કોનું મહેમાન.વનવગડો સાદ કરી રહ્યો હતો ને ગળામાં તરસ વૉટર... વૉટર કરતું સુકાતું હતું.
માર્ગમાં આવેલ ફાટેલ શિલા માંથી ખળખળ તો નાનો અમથો જળનો પ્રવાહ વહેતો નજરે પડ્યો જ્યાં આવીને ચારેય મિત્રો એ ઊંડા શ્વાસ લીધાં ને થોડાં આરામ સાથે એક પાન નાં સહારે બોટલો ભરીને જળ પીધું,શિલા ની ફાટ માંથી આવતાં આ જળે અમારી તરસ ને પળ વારમાં શાંત કરી દીધી.આ જળ નો વહેતો સ્ત્રાવ ફાટમાં આવે છે ક્યાંથી તે જાણવા અંદર નજર નાખીને શીલા ના ફાટ માં કાન ધર્યા.ત્યાં શું..? અંદર આછો ઘૂઘવતો અવાજ જાણે કોઈ સમુદ્ર નાં મોજાં ઉછળી રહ્યા હોય તેમ કાનમાં અવાજ ઝીણાં અવાજે વધ ઘટ થતો હતો,ને જળ બહાર આવી રહ્યું હતું.તો સૂર્ય પર્વત પાછળ છુપાતાં છોયડો પથરાય જતાં હમેં એકબીજા પ્રત્યે ની લાગણી,સાહસ ની વાતો કરતાં નીચેની તરફ આગળ વધી રહ્યાં હતાં.સામે નાં ડુંગરો ફરતે ધુમાડયું વાતાવરણ થર જમાવતું હતું.હસી મજાક સાથે વાતો નાં લલકારે સિલાઓના પ્રદેશ માંથી ધરતીનાં છેડે આવેલ ડાંગરના ખેતરમાં આવી પહોંચ્યા.ચારેય મિત્રોએ પર્વત રાજ નો આભાર માણીને ફરી કોઈવખત સમય મળે તો ચોક્કસ તુંજ ને મળવાં અને તારાંમાં રહેલ રહસ્યમય સ્થળોએ ભમવા આવીશું.એવાં વચન આપીને વિદાય લીધી.થોડે દૂર અમારી ગાડી અમારી રાહ જોઈ રહી હતી.ચારેય મિત્રો ગાડી માં બેસીને કદવાળ ના રસ્તે નીકળ્યાં ને માખનિયો અમને વળાવવા થોડે સુધી આવ્યો જ્યાં પેલી નજીકમાં આવેલ ધારદાર રાતીયા પથ્થરો ની પર્વતમાળા એ તેની પડખે આવીને જોત જોતાં માં પોતામાં સંતાડી દીધો.જ્યાં ચાર-પાંચ મિનિટ સુખી જળાશય નો વિસ્તાર ને સીધો રસ્તો જોતાં પળ વારમાં પાણીબાર ગામના પાટીએ સુરેશ ભાઈ ની દુકાને મીઠી ચાં અને અડદ નાં ઢેબરાં થોડાં ભુલાય....! નાસ્તો કર્યા બાદ કાજરને હાથ મિલાવીને ફરી મળીશું નાં કહેણ સાથે હમેં ત્રણેય મિત્રો કદવાળ ના રસ્તે ઘોઘંબા તરફ રવાનાં થયાં......
✍️પંચમહાલ પ્રદેશ નો ભોમિયો★
      ●લક્ષ્મણ રાઠવા ઘોઘંબા●

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ.....ભાગ-૧

છોટાઉદેપુર પંથકના માખણીયા ડુંગર ની એક મુલાકાત..

ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે