આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ.....ભાગ-૧
આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ...
દક્ષિણ ગૂજરાતમાં આવેલ નર્મદા જિલ્લાનાં હરિયાળા ડુંગરો ની વચ્ચે આદિ અનાદિ કાળથી આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી સ્થાનક નો અનેરો મહિમા...
*ગુજરાતની જીવાદોરી સમાન ઉલટી દિશામાં વહેતી મૈકલપુત્રી રેવા જેનાં કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગ પડે છે.તો એની આગળ સૂર્ય પુત્રી તાપી અરબસાગર ને મળવા દોડી જતી હોય તેમ નર્મદા ના થોડાં અંતરે જ પસાર થાય છે.આ બંને નદીઓના વચ્ચે આવેલ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં આવેલું પ્રાચીનકાળનાં રાજા રજવાડા વખતનું,આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાનું સ્થાનક આવેલ છે.જેને મુખ્ય આદિવાસી ગામિત સમાજ સહિત અનેક સમાજ ના કુળદેવી તરીકે આજે પૂજવામાં આવે છે.
* હાલનાં દક્ષિણ ગૂજરાત નાં પાંડવ વન(જુના રાજ, નર્મદા જિલ્લા નો પૂર્વ ભાગ)માં હરિયાળા ડુંગરો ની વચ્ચે આદિ અનાદિ કાળથી દેવમોગરા ખાતે યાહ મોંઘી પોહણી પાંડોર દેવમોગરા માતાનું સ્થાનક આવેલું છે, જે આજે દેવમોગરા ઘામ તરીકે ગુજરાત નું એક ખૂબ મહત્વ નું ધાર્મિક સ્થળ બની ગયું છે.દેવમોગરા ખાતે ભરાતો પાડોરી નો મેળો વર્ષો જૂનો મેળો છે,ત્યારે બીજી તરફ યાહ મોગીનો મેળો એ મહાશિવરાત્રીનો મેળો નથી,પરંતુ સ્થાનિક પ્રથા અનુસાર પ્રતિવર્ષે મહા વદ ચૌદશ ની રાત્રીએ ઉત્સવ સાથે પૂજા યોજવામાં આવે છે.
પ્રાચીન સમય થી ભારત તેનાં આર્થિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક વારસા ના કારણે સમગ્ર વિશ્વમાં એક અજોડ સ્થાન ધરાવે છે.ત્યારે આ દેશના પશ્ચિમ ભાગમાં આવેલ આપણું ગુજરાત રાજ્ય એક મહત્વપૂર્ણ દેશ નો હિસ્સો છે.જે પાછલાં રાજા-રજવાડાં ના સમયમાં કચ્છ,કાઠિયાવાડ,ગુર્જર,ગોહિલવાડ,ચરોતર,લાટ જેવાં નાના મોટા પ્રદેશો માં વહેચાયેલું હતું.જે સમય જતાં વિલિકરણ થતાં આજે એક ગુજરાત તરીકે ઓળખવામાં આવે.અહિયાં અલગ અલગ જાતી ધરાવતાં ધર્મ,સાંપ્રદાયિક પંથો,અને કેટલાક રીત-રિવાજો ધરાવતાં અનેક સમાજો સાથે સાથે ઘણું બધું સચવાઈ રહ્યું છે.ત્યારે ગુજરાત રાજ્યના પૂર્વ અને દક્ષિણ દિશા તરફના પ્રદેશમાં જોઈએ તો દાહોદ,પંચમહાલ,છોટાઉદેપુર,નર્મદા જેવાં જિલ્લામાં આવેલ અનેક નાનાં મોટાં ડુંગરો થી જોડાઈયેલી વિધ્યચલ અને સાત પૂડાની પર્વતમાળાઓનાં ઘોર જગલ વિસ્તારનાં ડુંગરાળ પ્રદેશમાં આદિવાસીઓ પોતાની ભાતીગળ ચિત્રો,કળા,સંસ્કૃતિ,રીત-રિવાજો અને પોતાના આસ્થાના કેન્દ્રો હજારો વર્ષ થી સાચવીને રાખેલ આજે જોવાં મળી આવે છે.ત્યારે આદિવાસી વિસ્તારમાં કેટલાક એવા ધાર્મિક સ્થળો આવેલ છે કે જેમનો ઇતિહાસ શાસ્ત્રો પુરાણો જોડે સંબધો ધરાવે છે,પણ આજ સુધીમાં તેનો પૂરો ઇતિહાસ કોઈ જાણી શક્યું નથી.માત્ર લોકવાયકાઓ,કથાઓ પર જ આધારિત હોય છે.ત્યારે ભારતની પવિત્ર અને ગુજરાતની જીવાદોરી સમાન ઉલટી દિશામાં વહેતી મૈકલપુત્રી રેવા જેનાં કારણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારત એમ બે ભાગ પડે છે.તો એની આગળ સૂર્ય પુત્રી તાપી અરબસાગર ને મળવા દોડી જતી હોય તેમ નર્મદા ના થોડાં અંતરે જ પસાર થાય છે.આ બંને નદીઓના વચ્ચે આવેલ ડુંગરાળ અને જંગલ વિસ્તારમાં આવેલું પ્રાચીનકાળનાં રાજા રજવાડા વખતનું,આદિવાસીઓની કુળદેવી દેવમોગરા માતાનું સ્થાનક આવેલ છે.જેને મુખ્ય આદિવાસી ગામિત સમાજ સહિત અનેક સમાજ ના કુળદેવી તરીકે આજે પૂજવામાં આવે છે.આ મંદિર ના ઇતિહાસ ની વાત કરીએ તો અનેક વાતો અને વાર્તાઓ,લોકવાયકાઓ અને લોક કથાઓ આજુબાજુના સ્થાનિક આદિવાસી સમાજના માનવીઓ ના મુખે થી સાંભળવા મળી આવે છે,કહેવાય છે કે વર્ષો પહેલાં પ્રાચીનકાળમાં રેવા(નર્મદા) નદીના દક્ષિણ તટ પ્રદેશમાં પશ્ચિમ ભાગે અરણ્ય પ્રદેશમાં કાંણીબૂટ નામે રાજય આવેલું હતું,આ કાંણીબૂટ રાજયમાં રાજા તારહામાલ અને રાણી ઉમરાવાણું નું રાજય આવેલું હતું.યુવરાજ રાજકુમાર રાજાપાનકા અને વિના ઠાકુર બંને ગાઢ મિત્રો હતાં.એક દિવસની વાત છે કે રાજકુમાર રાજા પાનઠાને ઘણાં લાંબા સમયથી વિના ઠાકુર મળ્યો ન હતો એટલે એક દિવસે રાજદરબારી ચાટા દોદયા નામે પ્રધાનને ઘોડેસવાર બની હેલાં દાબના રાજયમાં ખબર અંતર પૂછવા મોકલ્યો હતો.સંદેશ ના આધારે વિના ઠાકુર કાંણી ખૂટ રાજધાનીમાં પધારે છે અને સાથે મળીને બને રાજકુમારો ઘોડેસવાર બની વનવિહાર કરવા નિકળે છે.રાજકુમાર રાજા પાનઠા સફેદ ઘોડા પર અને વિના ઠાકુર તપકીરીયા ઘોડા પર બન્ને રાજકુમારોનાં પાણીદાર તેજ ઘોડાઓના દાબડાના અવાજથી વન ગુંજતું હતું.ત્યારેપશુપંખી અને ઘુવડ જેવાં પંખીઓ શાંત ભાસતાં પુરેપુરું વાતાવરણ શાંત હતું.સાગ અને વાંસનાં જંગલમાં અગ્નિ લાગતાં અગ્નિને બન્ને રાજકુમારે બુઝાવીને આગળ વધ્યાં.રેવાનદીના દક્ષિણ તટ પ્રદેશમાં જલસિધુ નદી( આજ ની કરજણ નદી)ના વન પ્રદેશમાં ધ્વહોલવી હિડંબા વન અને ડુમખલ નગરી થઇને દિવસો સુધી વનપ્રવાસ ખેડયો,અસંખ્ય રાતદિન પ્રવાસ ખેડી સાતપુડા પર્વતની ગીરીકંદરા ખીણપ્રદેશમાં આનંદ વિહાર કરતાં રાતદિન પસાર કરી હેલાદાબ રાજયની નજીક પશ્ચિમ સરહદ સુધી આવેલ રેવાનદીના તટપ્રદેશની વનરાઇમાં પહોંચી ગયાં પછી એક દિવસે વહેલી સવારે સૂર્યોદય સમયે હેલાદાબ રાજ્યમાં બને રાજકુમારોએ પ્રવેશ કર્યો.હેલાદાબ રાજયમાં રાજા બાહા દેવ ગોવ્યા અને રાણી ગોંદારીનું રાજ હતું.વહેલી પ્રભાતના સમયે પૂર્વાકાશમાં રંગબેરંગી સૂર્ય કિરણો અને રકતવર્ણથી આકાશ સુશોભીંત હતું,બીજી તરફ પશુપંખીઓનો મધુર અવાજ આવતો હતો એક બાજુ થોડે દુર તે પ્રદેશની લીલીછમ વનરાઇ ના વૃક્ષો તથા આકાશને ચુંમતાં ગીરીશિખરો અને ઉંડી ખીણો નિહાળતાં આગળ વધવા માંડયા.ત્યાં તો રાજકુમાર વિના ઠાકુરની નજર સાતપુડા પર્વતનાં અસ્તબા શિખર પર પડી જયાં રંગબેરંગી વસ્ત્રધારી દેવદિવાળી બિરાજમાન હતા.તેમનાં તેજસ્વી સ્વરૂપ અને સૌંદર્ય જોઇ રાજકુમાર વિના ઠાકુર મોહીત થયાં હતાં.રાજકુમાર રાજા પાનઠાને પોતાના મનની ગતિ વિચારો જણાવતાં મનમાં મુસ્કાયાં - ખડખડાટ હાસ્ય કરી જણાવ્યું . ‘ દેવ દિવાળી મારી એકલોતી બહેન છે.કાંણીખુંટ રાજ્યના રાજા તારાહામાલ અને રાણી ઉમરાવાણુંની એકની એક દિકરી છે,તે ખુબ નટખટ છે.અમારું સારું કુટુંબ ત્રાસી ગયું છે, હેલાદાબથી પરત કાંણીખુંટ જઇ રાજાને વિનવી ઠાકુર હું તને મદદરૂપ બનીશ.ત્યાર પછી ઉદાસ ચિત્ત રાજકુમાર વિના ઠાકુર અને રાજા પાનઠાએ હેલાદાબમાં પ્રવેશ કર્યો.રાજ બાહો ગોવ્યા અને રાણીદેવે ગૌદારીના રાજ મહેલે પહોંચ્યાં ત્યારે બાહા દેવ ગોવ્યા હુકકો પીતાં બેઠાં હતાં કહેવાય છે.ત્યારે રાજકુમાર વિના ઠાકુરનો ઘોડો પાયગામાં તરફ વળી ગયો અને રાજા પાનઠાનો સફેદ ઘોડો મહેલનો પાછલા ભાગમાં ઉભો રહી હણહણવા માંડ્યો.તેટલાં માં જ તો અતિ સૌંદર્યવાન,ગોવર્ણ,તેજસ્વી કાયા,બને ભંવરો વચ્ચે તેજસ્વી તીલક અને તેજસ્વી તેજ ફેંકતો ચેહરો સ્વર્ગીય સૌંદર્ય આ બધા લક્ષણો નિહાળી રાજકુમાર રાજા પાનઠા મોહીત થયાં.યુવતી મહેલમાંથી બહાર આવી ઘોડાની લગામ પકડી ઘોડો થપથપાવ્યો.ત્યારે રાજા પાનકા પૂછે છે,અરે ! તમે કોણ છો ? પોહલીપાંડોર રાજકુમારી રાજા પાનઠાના ઘોડાને મહેલનાં આગલાં ભાગે લઇ જઇ બાંધે છે.રાજકુમારી રાજકુમાર રાજા પાનઠાને રાજા બાહા ગોવ્યાના બેઠક રૂમમાં લઇ જાય છે.જ્યાં રાજકુમાર રાજા પાનઠાની રાહ જોતાં રાજકુમાર વિના ઠાકુર અને રાજા બાહા ગોવ્યા બેઠાં હતાં.જ્યાં એક રાજાને શોભે તેવો રાજઘરાના રિવાજ મુજબ રાજકુમારનું સ્વાગત કરવામાં આવ્યું.ત્યારે પોહલી પાંડોર અને માતા દેવગોધરી મહેલનાં દરવાજાની ઓઠે રહીને છુપાઈને જુએ છે,રાત પડે છે રાત્રી ભોજન લઇ આરામ કરે છે.પોહલી પાંડોર પર મોહિત થયેલ રાજકુમાર ઉદાસીન રાત્રી પસાર કરીને,બીજા દિવસે સવારે હેલાદાબના રાજા બાહા ગોવ્યાએ રાજા પાનઠાને પૂછયું કે ,રાજકુમાર રાજા પાનઠા ગઈ કાલે મહેલનાં પાછલા ભાગમાં શું જોયું હતું ? રાજા પાનઠા, નિઃસંકોચ કહો, ત્યારે રાજા પાનઠાં બોલ્યા બાહ પોહલી પાંડોર કોણ છે ? રાજા બોલ્યા પોહલી પાડુંર મારી અને રાણી દેવગેદારીની પુત્રી છે . એ જ તે દેવમોગરા છે.રાજકુમાર કહે "બાહા પોહલી પાંડોર તમારી જ દિકરી છે,તો પછી પોહલી પાંડોર (એટલે કે અનાથ પુત્રી) શા માટે કહેવાય છે ? રાજા બોલ્યા કહું છું રાજા પાનકા.પ -૬ વર્ષ પહેલાં હેલા દાબ રાજયમાં દુષ્કાળ પડયો હતો.સતત ૩-૪ વર્ષ વરસાદ પડયો ન હતો.ધનધાન્ય અનાજ પાણી ખુટી જતાં માણસો આમ જનતાં ભુખી પ્યાસાં મરવા લાગ્યાં,હું હેલાદાબ નો રાજા અને કોઠારનો પ્રમુખ એટલે મારા રાજ્યમાં અન્ન કોઠાર ખુલ્લા મુકી લોકોને ધાન્ય અનાજ વહેંચવા સમસ્ત રાજ્યમાં દાંડી પીટાવી હતી અને હું પોતે પણ દોડેસવાર બની રાજયમાં પરીસ્થિતિની ખુદ જાણકારી લેવા જંગલ માર્ગે જતો હતો ત્યારે એક દિવસે દેવ ગોવ્યાના વિસ્તારમાં નીકળતા એક ૧૩-૧૪ વર્ષ ની સાગના ઝાડ નીચે સુતી હતી.ફાટેલાં કપડાં,પેટ પીઠના ભાગે ચોટેલું હતું.તેને મેં જગાડી અને તેના તરફ જોતાં અતિશય ગૌરવર્ણ એ છોકરીના ચેહરા પર એક દિવ્ય તેજ ઝળહળતું જોયું.ત્યારે અચાનક આ કુદરતી દિવ્ય સંકેત મને સમજાયો ત્યાર પછી આ છોકરી મને મળી આવતાં ખુબ આનંદ થયો..કારણકે મારે કોઈપુત્રી ન હતી આ તે જ છોકરી દેવમોગરા - અનાથ બાળકી છે.જે જંગલમાં અનાથ મળી આવી માટે લોકો તેને પોહલી( પાંડોર) કહે છે,બાહા મને ક્ષમા કરો હું કાંણીખૂટ રાજ્યનો રાજકુમાર તરીકે કહું છું,કે દેવમોગરા એવી દિવ્ય દૈવી અંશવાળી શકિત સ્વરૂપ સાક્ષાત લક્ષ્મી છે,એનાં જેવી શકિતના મેં કોઈપણ દિવસ ક્યાંય દર્શન કર્યા નથી,માટે બાહા મારે દેવમોગરા સાથે વિવાહ કરવાં છે.આ વિવાહથી કાંણીખુંટ અને હેલાદાબ બને રાજયોની જનતાનું ભલું થવો અને બાહા ! સાચું કહું છું કે,આપનો પુત્ર રાજકુમાર વિના ઠાકુરને મારી બહેન દેવ દિવાળી ગમી છે,તો હું મારી બહેન આપનાં વિનો ઠાકુર રાજકુમારને આપીશું ,આપ પણ દેવ મોગરા બાબતે કૃપા કરી વિચારી , મારો પ્રસ્તાવ ( માંગુ ) માન્ય કરવા કૃપા કરો .ક્ષણભર માટે પરીસ્થિતિ સ્તબ્ધ બની ગઈ રાજા પાનઠા અને વિના ઠાકુર પણ ઘડીભર સ્તબ્ધ થઈ રહ્યાં .બાહા દેવ ગોવ્યા તરફ જોતાં જ રહયાં ક્ષણભર આંખો બંધ કરી વૃધ્ધ બાફા ગોવ્યા એ રાજા પાનઠાને કહયું ‘ રાજા પાનઠા હું દેવ મોગરાને વિવાહ તમારી સાથે કરવા તૈયાર છું પણ એક શરત 'શું શરત છે બાહા ? હું તમારી સાથે તેનાં લગ્ન કરવાનો નથી પણ તમારે અંહી દાબ રાજયમાં મારે ત્યાં ઘરજમાઈ તરીકે ૭ વર્ષ રહેવું પડશે.રાજા પાનકા બોલ્યા પણ બાહા ! નહીં રાજા પાનકા ,પણ બણ હવે કાંઇ બોલશો નહિં . પોહલી હોવાથી શું થયું ? તે મારી અને રાણી દેવગોધારીની પુત્રી છે,દેવમોગરાં ( પોહલી પાંડોર ) નાં રહેતાં મારાં રાજયમાં ધન ધાન્ય અને ગાયવાછરું , ઢોર ઢકર ,ખેતીવાડી , સુખ શાંતિ અને સમૃદિધ ભરપુર વધી છે.હવે વરસાદ સારો અને નિયમીત પડે છે.ખેતીવાડી ભરપુર પાકે છે.તે સાક્ષાત લક્ષ્મી સ્વરૂપ છે.હાથ પસારીને આવેલાને તે કદી ખાલી હાથે પાછી વાળતી નથી .માટે તે મારે ત્યાંજ રહે તથા આપનો પ્રસ્તાવ સફળ થાય તે માટે ઘર જમાઈ રાખવા જણાવું છું, હવે રાજા પાનઠા તમે વતનમાં જાઓ અને રાજ તારાહામાલા અને રાણી ઉમરાવાણુંને મારો પ્રસ્તાવ સંદેશો આપજો,પ્રસ્તાવ સંદેશો આપજો ત્યાર બાદ હવે પછી આપણે યોગ્ય મુહુર્ત કાઢી રાજ કુમાર વિના ઠાકોર અને આપની બહેન દેવ દિવાળીનો વિવાહ આપણે કરી દેઈશું.સમય જતાં રાજકુમાર રાજા પાનઠા અને પોહલી(દેવમોગરા) પરણી ગયા,ત્યાર બાદ આમ સમય જતાં સમય ની સાથે પાંડવવનમાં હરિયાળા ડુંગરો ની વચ્ચે આદિ અનાદિ કાળથી દેવમોગરા ખાતે યાહ મોંઘી પોહણી પાંડોર દેવમોગરા માતાનું સ્થાનક આવેલું છે, જે આજે દેવમોગરા ઘામ તરીકે ગુજરાત નું એક ખૂબ મહત્વ નું ધાર્મિક સ્થળ બની ગયું છે.દેવમોગરા ખાતે ભરાતો પાડોરી નો મેળો વર્ષો જૂનો મેળો છે,ત્યારે બીજી તરફ યાહ મોગીનો મેળો એ મહાશિવરાત્રીનો મેળો નથી,પરંતુ સ્થાનિક પ્રથા અનુસાર પ્રતિવર્ષે મહા વદ ચૌદશ ની રાત્રીએ ઉત્સવ સાથે બોફણ પૂજા યોજવામાં આવે છે,ત્યારે આ રાત્રીએ માતાજીના મંદિરનથી પ્રાંગણમાં આવેલ કાકડાના ઝાડ પરથી ઝરમર ઝરમર વરસાદની બુંદો ઝરતી હોય છે,ત્યારે આ ઝાડ પર આવતાં ફૂલ ને આધારે પ્રતિવર્ષના ખેતી પાકોની આગાહી થતી હોચ છે. આ ઝાડ પર આવતાં ફૂલ ને આધારે પ્રતિવર્ષના ખેતી પાકોની આગાહી થતી હોચ છે .આ રાત્રીએ બોહેણ(એક નજીકનું ધાર્મિક સ્થળ)ની પૂજા થાય છે.જ્યાં ૯૯૯ દેવ-દેવતાંઓ હાજરી આપતાં હોવાનું પણ કહેવાય છે.બીજે દિવસે મહા વદ અમાવાસ્યની વહેલી સવારે માતાજીનાં સ્થાનક થી દૂર ઉત્તર દિશામાં નદી કિનારે આવેલ એક ધાર્મિક સ્થળ(વાગણ્યા ગાદી) ની પૂજા થાય છે.બીજી તરફ અમાવાસ્યના દિવસે સાગબારાના રાજવી કુટુંબના વંશજ શ્રીમંત પ્રતાપસિંહ રામસિંહુ વસાવા સૌ પ્રથમ પૂજા અર્ચના કરે છે . ત્યારબાદ રૈયદ પ્રજા પૂજા વિધિ કરે છે.મહા વદ અમાવાસ્યના દિવસે જે માતાજીનો મેળો ભરાચ છે,તે જ દિવસે માતાજીની ભવ્ય સ્નાન યાત્રાની સવારી નીકળે છે.આ યાત્રા નીકળતાં મેળા સ્થળનું દ્રશ્યો અતિ ગંભીર અને શાંત ભાસતું હોય છે.પોલીસ પહેરા અને લોકવાજિંત્રો સાથે માતાજીને ગઢ સ્થાને સવારી રૂપે લઇ જવામાં આવે છે .જયાં માતાજીની સ્નાન વિધિ થતાં એ પવિત્ર જળ લેવા લોકોનો ભારે ઘસારો જોવાં મળી આવે છે,કહેવાય છે કે આ પવિત્ર જળ ના સેવનથી માનવીનાં તનમનના તમામ દુઃખો દૂર થતાં હોય છે,ત્યારે તો બીજી તરફ આ ગઢના પ્રાકૃતિક સૌંદર્ય ધામે ભેખળમાં એક સ્થાને બખોલમાં બાલી (એક ધામિક પવિત્ર સાધન કે જે વાસની લાકડી પર લોખડ ની ઝીણી બાલીઓ બેસાડવામાં આવે છે.) ઠોકવામાં આવે છે.જેના ઉપરથી ચોમાસાની આગાહી કરવામાં આવે છે.જે સાંભળવા માટે માનવીઓની ભીડ ખૂબ મોટી સંખ્યામાં ઉમટી પડે છે,અને અતિશાંત ભાવે આગાહી સાંભળે છે.તો બીજી તરફ યાંહા મોગીના આ ઘાર્મિક મેળામાં ગુજરાત ઉપરાંત પડોશી રાજ્યોના ખૂણે ખૂણે થી લાખો ની સંખ્યામાં શ્રધ્ધાળું અને ભાવીક ભકતોનાં સંઘ ભાવનાથી પગે ચાલતા કે વાહનોમાં ભજન કિર્તન,નાચગાન અને સંગીત મંડળીઓ સાથે ઉમટી પડે છે,ત્યારે બીજી બાજુ દેવમોગરા માતાજીએ આદિવાસીઓની કુળદેવી હોવાથી પંચમહાલ,છોટાઉદેપુર,અલીરાજપુર,નર્મદા,નદુરબાર,તાપી જેવાં અન્ય જિલ્લાઓનાં વિસ્તારમાંથી અહીં મહાશિવરાત્રીના તહેવારના સમયે માતાજી ના મેળામાં આદિવાસીઓ બળદગાડામાં બેસી પરંપરાગત ઘરેણા અને વસ્ત્રો પરીધાન કરી મેળો માણવા આવતા હોવાથી મેળામાં આદિવાસી સંસ્કૃતિની ઝાંખી જોવા જેવી હોય છે. આ મેળામાં રાતે અલગ અલગ ગામના આદિવાસી રોડાલી નામક નાચ-ગાન કરે છે. દેવમોગરા માતાજીના મંદિરે લાઈનબધ્ધ શિસ્તબધ્ધ ઉભા રહીને ભકતો દેવમોગરા માતાજીના દર્શન કરે છે. કંકુ, ચુંદડી, શ્રીફળ, દારુ, મરઘાં, બકરાં કે અનાજ ચઢાવીને દેવમોગરા માતાજીની માનતા પુરી કરે છે અને પાવન થાય છે. દેવમોગરા માતાજીના મંદીરે ડુંગરોમાં રાત્રી રોકાણ કરે છે. કુટુંબ કબીલા સાથે આવેલા આદિવાસીઓ ચુલાઓ બનાવીને સળગાવીને રાંધીને ખાય છે. રાત્રે જયારે ચુલા સળગતા હોય છે ત્યારે અનેરાં દ્રશ્યો સર્જાય છે. દેવમોગરા માતાજીના મંદિરની આસપાસ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓની દુકાનો મંડાય છે. આદિવાસી વસ્ત્રો પરિધાન કરેલા આદિવાસીઓ મેળામાં મોજ માણતા નજરે પડે છે. જાણે આદિવાસી સંસ્કૃતિ સોળે કલાએ ખીલી ઉઠી હોય કે બોલી ઉઠી હોય એવાં દ્રશ્યો સર્જાય છે.ત્યારે સાર્વજનિક દેવમોગરા માંઈ મંદિર ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટી મંડળના સભ્યો અને પ્રમુખ દ્વારા મંદિર ખાતે શ્રધ્ધાળુઓને અગવડ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવે છે...
દેવમોગરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા પણ સુવ્યવસ્થા દર વર્ષે ગોઠવવામાં આવે છે.દેવમોગરા ખાતે મહાશિવરાત્રીના મેળાને અનુલક્ષીને ગુજરાત રાજ્ય પરિવહન નિગમ દ્વારા અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહન નિગમ મળી બસો ફાળવવામાં આવે છે.છેલ્લા વર્ષથી મેળાના દિવસો માટે ગુજરાત રાજ્ય પરિવહન નિગમ તંત્ર દ્વારા ચોવીસ કલાક ચાલુ રહેતો નિયંત્રણ કક્ષ પણ શરુ કરવામાં આવે છે. સુલેહ શાંતિ અને સલામતી માટે પણ સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમાં એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, ટ્રાફીક પોલીસ, ઘોડેસવાર પોલીસ અને સમગ્ર નર્મદા જિલ્લાની પોલીસ અને પી.એસ.આઈ., ઈન્સ્પેકટર વગેરેનો પોલીસ નિયામકના માર્ગદર્શન હેઠળ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે છે.આમ દેવમોગરા માતાજી નું સ્થાનક આજે ગુજરાત ના ધાર્મિક સ્થળો માંથી એક મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળ કહેવામાં આવે છે.દેવ મોગરા ધામ નજીક આવેલ સાતપુડા અને વિંધ્યાનચલની ગિરીમાળાઓ વચ્ચે કુદરતી સૌન્દર્ય બારેમાસ સોળે કળાએ ખીલી ઉઠે છે,એવા સૌદર્ય સ્થળ ડેડિયાપાડા શહેરથી માત્ર ૩૫ કિલોમીટર અંતરે નિનાઈ ધોધ આવેલો છે.જે ધોધ ૩૦ ફુટ કરતાં વધુ ઊંચાઈ પરથી પડે છે.અહીંયા રજાના દિવસો સહિત વેકેશનમાં ખૂબ મોટી સંખ્યામાં શહેરી લોકો પોતાના કુટુંબ સાથે રમણીય નજારા નો આનંદ માણવા આવે છે.આમ,નર્મદા જિલ્લાના અન્ય ધાર્મિક, સાંસ્કૃતિક, સૌંદર્યમય વાતાવરણ ધરાવતા ફરવાલાયક સ્થળો ની વાત કરીએ તો નીલકંઠ વરણી ધામ.પોઈચા,હરસિદ્ધિ માતા મંદિર રાજપીપળા, સરદાર સરોવર ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા કોલોની,ગરુડેશ્વર,ભાદરવાદેવ, શૂલપાણેશ્વર મહાદેવ મંદિર,ઝરવાણી નો ધોધ જેવાં અનેક નાનાં મોટાં જોવાલાયક સ્થળો આવેલા છે..
✍️પંચમહાલ પ્રદેશ નો ભોમિયો...
લક્ષ્મણ રાઠવા ઘોઘંબા...
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો