દક્ષિણ ગુજરાતના સોનગઢ પંથકમાં દેવલપાડા મુકામે આવેલ દેવી દેવલી માડી સ્થાનક આદિવાસી સમુદાય ના લોકોનું સૌથી આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર..
દક્ષિણ ગુજરાતના સોનગઢ પંથકમાં દેવલપાડા મુકામે આવેલ દેવી દેવલી માડી સ્થાનક આદિવાસી સમુદાય ના લોકોનું સૌથી આસ્થા અને શ્રદ્ધા નું કેન્દ્ર..
આપણો દેશ પ્રાચીન સમયથી જ ધર્મ,સાંસ્કૃતિક,આધ્યાત્મિક અને સમૃદ્ધિ ધરાવતા વારસા ના કારણે સમગ્ર વિશ્વમાં આપણો દેશ હાલનાં સમયમાં પણ એક અનોખું સ્થાન ધરાવે છે.ત્યારે આપણાં દેશના પશ્ચિમ ભાગમાં આવેલા આપણાં ગુજરાત ભૂમિ વિશે જાણીએ તો ગુજરાત ની ભૂમિ નો પશ્ચિમ દિશા ના ભાગથી દક્ષિણ કાંઠા સુધી અરબી સાગરકાંઠો છે.ઉતરે રાજસ્થાન,કચ્છ અને બનાસકાંઠા જે ઉત્તર ગુજરાત ની ભૂમિ છે એક તરફ પડોશી દેશ પાકિસ્તાન સાથે જોડાયેલ છે,પૂર્વ થી દક્ષિણ સુધી માં અરવલ્લી,વિધ્યચલ,સાતપૂડા ની હારમાળાઓ રાજ્યના સીમાડાઓ સુધી વિસ્તરેલ છે,તો બીજી તરફ ગુજરાત ની ભવ્યતા,લોક સંસ્કૃતિ અને વૈભવ ની વિવિધતા જોવાં માણવા જેવી છે.જેમાંથી પ્રકૃતિ જ જીવન,પ્રકૃતિ જ સર્વોપરી છે,પ્રકૃતિ એજ પરમેશ્વર છે,તેમ માનીને સાક્ષાત દેવો જેવા કે ધરતીમાતા ,વાયુ -પવન, અગ્નિ, પાણી, મેઘ, નદી નાળા પર્વતો ડુંગરો તેમજ પોતાના ખત્રી પૂર્વજો ને જ પોતાના દેવ માનીને પુજવામા માનનારા આદિવાસીઓ ભારતની સૌથી જૂની અને મૂળ પ્રજા તરીકે ઓળખવામાં આવે છે.
પ્રકૃતિ ના ગાઢ ઘોર જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતી આદિવાસી પ્રજા,જે હાલમાં ભારતભરમાં અનેક વિસ્તારોમાં વસવાટ કરે છે,જે રાજ્યની પૂર્વપટ્ટીને આદિવાસી વિસ્તાર તરીકે ઓળખવામાં આવે છે.જેમાં ઉતરે અંબાજી થી દક્ષિણ માં ઉમરગામ સુધીનાં વિસ્તાર નો સમાવેશ થાય છે.તેમાં સદીઓ થી અનેક અલગ અલગ આદિવાસી સમુદાયો વસે છે.જેમાં ગરાસિયા, રાઠવા,ભાભોર,ચૌધરી,ઢોડિયા,ગામીત,કુંકણા,વસાવા જેવાં દરેક સમાજની વિસ્તાર મુજબ પોતાની આગવી ઓળખ અલગ અલગ રીતે જોવા મળી આવે છે.કુદરતના સાનિધ્યમાં રહેતા આદિવાસી સમાજ પાસે પોતાની કહી શકાય એવી ભવ્ય પરંપરા છે.જે સામાન્ય રીતે મૌખિક સ્વરૂપે સચવાઈ છે.જે માંથી એની સંસ્કૃતિની સુવાસ હમેશાં વારસાગત વહેતી રહી છે.લખાતી ન હોવા છતા ભારતની આદિવાસી ભાષાઓમાં વિપુલ સાહિત્ય ભંડારાયેલું છે,એમ પણ કહી શકાય છે.તો આ આદિવાસી પ્રદેશમાં છેક અંબાજી થી ઉમરગામ સુધી વચ્ચે અનેક અંતરિયાળ વિસ્તારોમાં સિમોઇ દેવ રાણા પુર,બાબા દેવ ચેલાવાડા,ભેંહો દેવ તેજ ગઢ,માખનિયો ડુંગર,ફેંણાય માતા,રાણી કાજલ,દેવ મોગરા,કનહરી માતા,દેવલી માડી જેવાં અનેક નાનાં- મોટાં જુદાં-જુદાં આદિવાસી સમુદાય ના દેવી-દેવતાંઓ ના સ્થાનકો આવેલાં છે.
જે આદિવાસી સમુદાય ના મોટાં આસ્થા અને શ્રદ્ધા ના કેન્દ્ર છે.જેમાં દક્ષિણ ગુજરાતમાં તાપી જિલ્લાના સોનગઢ થી ૧૫ કિમી અને વ્યારાથી ૧૨ કિમીના અંતરે આવેલ દેવલ પાડા મુકામે પ્રકૃતિ ના ખોળે લીલુંછમ લહેરાતા વાતાવરણ ધરાવતા ગામડાઓની વચ્ચે સોઢ તાણીને સદીઓ થી સુતેલા ડુંગર ની જેમ એકલો ડુંગર આવેલ છે,જેની પર પવિત્ર દેવલીમાડી નું અનોખું સદીઓ જૂનું આદ્યશક્તિ સ્થાન આવેલ છે.જેની આ પ્રદેશમાં અનેક જુદી-જુદી લોકવાયકા પ્રચલિત છે.જે અહીંના સ્થાનિક લોકો ના મુખે સાંભળવા મળી આવે છે.દેવલીમાડીને ગામીત જાતિ ની કુળદેવી તરીકે પણ ઓળખવામાં આવે છે.ગામીત સમાજ સહિત સમગ્ર પંથકના લોકો દેવલીમાડી પર ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા રાખીને માતૃશક્તિ તરીકે માને છે.આ વિસ્તારના લોકોમાં નાની - મોટી સમસ્યા આવી ચડે ત્યારે માતા ની ટેક રાખે છે.જેમાં ખેતરમાં પાકના ઉતરવો,ઘરમા અન્નની સમસ્યા,પતિ - પત્ની હોય તો તેમના બાળકો ના થવા,પશુઓમાં બીમાર પડ્યા હોય , ખેતરના બોર- કુવામાં પાણી લાવવા,નોકરી ધંધો થતો ન હોય,તેવી અનેક મુશ્કેલીઓ માં દેવલીમાડી ની માનતા રાખે છે.માનતા રાખતા સમયે તેઓ ગામમાં સ્થાપેલ માંડી ના સ્થાનકે કે પછી દેવલીમાડી જઈને નાહી ધોઈને શ્રીફળ,અગરબત્તી,સવા રૂપિયો તથા હાથ રૂમાલમાં ચોખા રાખીને માડીના સ્થાનકે જઈ પગે પડીને પોતાની માનતા રાખે છે. તે કામ પૂર્ણ થતાં જે બોલી કરી હોય એ પ્રમાણે તેઓ પૂજા કરવામાં આવે છે.તો સ્થાનિક રીત રિવાજ અનુસાર વાર-તહેવારે કુટુંબીજનો તથા આખા ગામના લોકોને આમંત્રિત કરીને વિધિવત્ પુજા કરવામાં આવતી હોય છે.ડુંગર ની ઉપર પથ્થર ની નાની ગુફા આવેલી છે જે માતાજી નું રહેઠાણ કહેવામાં આવે છે.તેમજ તળેટીમાં ૧૦૦ મીટરના અંતરે પશ્ચિમ તરફ કુદરતી પાણીનો ઝરો આવેલ છે,જે ઉમરા ના થડ માં થી નીકળે છે.
જે ડુગરની જોડે વહેતાં એક કોતરડા માં નીકળે છે જેને "નાહણી " કહે છે.પ્રથમ ત્યા નાહી ને પછી પૂજા માટે જવાનુ હોય છે.ગામિત જાતિના લોકો દેવલીમાડી દેવીને કણીકંસરી દેવી તરીકે પણ માને છે. તેથી નવું અન્ન ઘરમાં લઈ જતા પહેલા,માતાજીને ચઢાવે છે.પછી પોતાના ઘરમાં લાવે છે તથા આરોગે છે.ને જે માનતા રાખે છે જે પૂર્ણ થાય ત્યારે તેઓને આનંદ બેવડાય છે.અને માનતા પૂર્ણ કરવા તેઓ ઉત્સાહમાં આવે છે.અને જે વસ્તુ ખરીદવી હોય તે વસ્તુની કિંમત કદી ઓછી કરાવતા નથી તેઓ માનતા પૂર્ણ કરવા માટે જે દિવસ નક્કી કર્યો હોય એ દિવસ ના આગલા દસ - પંદર દિવસ આગળ બકરો મરઘો ખરીદી મૂકે છે,તથા ભગત(બડવા,ભુવા) ની પાસે જઈને માનતા પુરી કરવાનો પ્રસ્તાવ મૂકે છે.પૂજારી જે માતા નો પુજારી કહેવાય છે. તે માનતા રાખેલ દિવસે જે રૂંમાલ માં ચોખા બાંધ્યા હોય તે હાથમાં લઈને દાણા જોવે છે.એટલે કે પૂજાનો દિવસ ચોખાના દાણા માં જોઈ છે.અને તે દાણા જોઈને એક દિવસ નક્કી કરે છે,ત્યાર પછી પાવરીવાળા ને આમંત્રણ અપાય છે.જે પાવરી નામનું સંગીત વાદ્ય વગાડે છે. ત્યાર પછી ટાપરાવાળા ને આમંત્રણ અપાય છે.જે વાંસને કાપેલું હોય છે.અને તે રિધમમાં વગાડતો હોય છે.અને પછી માનતા રાખનાર વ્યક્તિ જે દિવસ નક્કી થયો હોય તે દિવસે તેમના સગા વાળા ને નિવુત(નોતરું,આમંત્રણ) આપવા ઘરે - ઘરે જાય છે.જ્યાં ખાખરા(પનાસ,ખાખરો)ના પાનમાં હળદર કંકુ ને ચોખા ભેળવીને એક પૈસાનો સિક્કો મૂકી ખાખરાના પાનની પુડી બનાવી પોતાના સગાવ્હાલા ને જે પુડી આપે છે.સાથે તેમને કહે છે." આમહાયાય દેવલીમાડીયે ટેક રાખીયેલ ને તી પુરા જાયહી,આમી આમહે દેવલીમાડીયે દેવારા જાઅના હિયે,તેન તૂમાહાન ભી યા પોડી,ચ્યા હાટી આમા તુમાહાલ નિવૃત યેનહા,તુમાહાલ ગોમે તી ઉવે દેવારા યા પોડી ...રામ રામ .. ( અમે દેવલીમાડીની માનતા રાખી હતી તે સફળ થય છે .
એ માનતા પૂરી કરવા માટે દેવલીમાડી જવાનુ હોવાથી અમે તમને આમંત્રણ આપવા આવ્યા છીએ.તો તમારે ચોક્કસ આવવા નુ છે.એવુ અમારુ ભાવભર્યું આમંત્રણ છે. રામ ...રામ..) આ રીતે સામેનો વ્યક્તિ " રામ રામ "બોલે તો આમંત્રણ સ્વીકાર્યું ગણાય,અને તેઓ દેવારા(સ્થાનકે) આવશે.પૂજાનાં આગલાં દિવસે એટલે કે રવિવારે પૂજા કરવાની હોય તો આગલે દિવસે એટલેકે શનિવારે ભગત,પાવરીવાળો, ટાપરીયો તથા ગામના વડીલો આ દિવસે વડની વડવાઈઓ,તુલસી ની ડાળી,તથા બળદગાડા ને ધોઈને અને બળદોને નવડાવીને અને બળદ નાં શીંગડા પર દિવેલ લગાવી નૈ ચમકાવમા આવે છે પછી રંગબેરંગી રીબીન બાધી પછી બળદના માથા પર ગોડલા ( ઉન માં થી બનાવેલા રંગબેરંગી ગાંઠો) બાંધવામાં આવે છે.અને પીઠ પર રંગબેરંગી ચંદરવો ઓઢાડવા માં આવે છે.સાથે ધરનો મુખી. દેવલીમાડી ની જય જય કાર બોલાવી ને બળદગાડા ને હાંકે છે.બળદો પણ ઘૂઘરા રણકાવતા અને ડોક ધુણાવતા ઉત્સાહ પૂર્વક ચાલ કાઢે છે,પાવરી તથા ટાપરી વાળા રસ્તે કે શેરીઓમાં વાજિંત્ર દ્વારા સંગીતના સૂર રેલાવતાં આજુબાજુ વિસ્તાર ના પ્રાકૃતિક વાતાવરણ ને ગુજાવતાં સોનગઢ કે વ્યારા બજાર ફરવા જાય છે.જ્યાં કુંભાર ને ત્યા જઈને પ્રથમ બાહણી( દેવના સ્થાને મુકવામાં આવતી કાદવની મૂર્તિ ) કાદવનો ધોડો,ધોળી ધજા,લાલ ધજા, ફરસાણ ની દુકાને થી બધા પ્રકારના ફરસાણ ભેગા કરી ચવાણુ ભેગુ કરી વેચાતૂ લે છે.જેને આ પ્રદેશ ની સ્થાનિક ગામીત બોલીમાં ખાજાનું કહેવામાં છે.પછી શાકભાજી મા લીલા કાંદા,બટાકા,ટામેટાં,લીંબુ,મરચા,લીલાધાણા,લીલુ લસણ આમ દરેક પ્રકારની શાકભાજી લેવા આવતી હોય છે.આ ખરીદ ની ક્રિયા દરમિયાન પાવરી તથા ટાપરી વગાડતા રહેવુ પડે છે.અને ભાવતાલ કરવામાં આવતો નથી.પછી પાછા ઘરતરફ રવાના થય જાય છે.માનતા રાખનાર ના ધરે શનિવારે રાત્રે " બાઉધોવાઈ " જેમા ભગત , પાવરીવાળો,ટાપરાવાળો અને ગામના વડીલો દેવલીમાડીના ગીતો ગાય છે તથા નાટક ભજવે છે.
જેમાં મોટી સંખ્યામાં આજુબાજુના વડિલો,બહેનો,બાળકો ભેગા થય ને જોવા આવે છે.આ સમયે ગામના વડીલો ને ગીત ગાતા ગાતા વાઅરા યેના (પવન ચઢયો )ત્યારે વડની વડવાઈઓ થી શોટ મારવા મા આવે છે.વડવાઈ ને ( ખોખળી લાકડી ) દેવલાડકી સામે તુલસી ની ડાળી થી દુધ છાંટવા મા આવે છે.ત્યારે પવન જાય છે.અને પવન આવેલો હોય ત્યારે તે વ્યક્તિ બોલે છે.હું દેવલીમાડી એ વાઅરા યેનહો .... સોટ લાગાડરા બાયા ..... હું..સેણકી ભુતડી એ વાઅરા યેનહા,સોટ લાગાડરા બાયા ( દેવલીમાડી નો પવન આવ્યો છે.માટે મને વડની વડવાઈઓ થી મારો સેનકી ભુતડી નો પવન આવ્યો છે માટે મને વડની વડવાઈઓ થી મારો.) આમ,ગામનો વ્યક્તિ ડોશી નું કે અન્ય રૂપ ધારણ કરે છે.જે ડોશીઓ પહેરે એવા વસ્ત્રો પહેરે છે,પછી નાટક શરૂ કરે છે.જેમાં જમીન સરખી કરવી,તથા બે પ્રેમી જોડાના નાટક,તથા વાળંદની ભુમિકા પણ ખૂબ સારી ભજવવામાં આવે છે.ત્યારે તે બોલે છે.ભાંગવાળા ભાંગ દે, નાયદે તે ગુલફી ચાટ( તમાકુવાળા મને તમાકું આપો,જો ના આપવુ હોય તો ગુલફી ચાટીને પાછા ફરો).એમ બોલીને લોકોને હસાવીને મનોરંજન કરાવે છે,અને અને સાગનાં નાનાં કુમળાં સુકા પાન ગાલ પર ઘસે છે.જેના થી ગાલ લાલ થય જાય છે.લોકો એ જોઈને હાસ્ય પ્રગટ કરે છે.ત્યાર પછી ભગત(બડવા)માનતાં રાખનારના ઘરની સામે નાનો ખાડો ખોદે છે.એ ખાડાને દુધની લોટી માંથી તુલસીની ડાળીથી દુધ છાટીને પવિત્ર કરીને ચોખાની પુન્જ પાડે છે.તેની ઉપર લીંબુ તથા ચલણી સિક્કો મુકે તથા દારુની છાક પાડે છે. આને બડવો બોલે છે. " જો આયા આમાહાય હારી પાળની પાળી ઓરી તોવે આમેહે જી માનતા માનેયેલ તી પૂરી જાયી આને આમાં તો ગોઓ યા કોઅજે હે તેન આમાં પાઉધોઅયા હા તોવે ખરા સત્ ને માન ઓરી તોવે ઈ લીંબુ ને ચોખા પાછા નિગા જોજે જે આયા સત્ હોય માન હેયે ,સાક પોડી જાહે( માતા જો અમે સારી પાળની પાળી હોય તો અમારી માનતા પૂર્ણ કરજે અને જે પૂજા શરૂ કરી છે,તે પૂજા સારી રીતે પૂર્ણ કરજે અને જે લીંબુ ચોખા દાટેલા છે કે પાછા નીકળવા જોઈએ,એ પૂજાને માંન રાખી અમે તમને દારૂના બે - ત્રણ ટીપાં ચડાવીએ છીએ)એમ બોલતા બોલતા લીંબુ ચોખાને સિક્કો દાટે છે.ને જેને ફરી પૂજા વિધિ પૂર્ણ થાય ત્યારે કાઢવામાં આવે છે.
જો આ દાટેલી વસ્તુ ના નીકળે ત્યારે માનતા પૂર્ણ ના થઇ કહેવાય,તથા પૂજામાં કઈ પણ મોટી ખામી ગણાય અને માતા દુઃખી થયા,એમ માનવામાં આવે છે.અને પૂજા પાછી કરવામાં આવે છે.સવારે એટલે કે રવિવારે વહેલી સવારે બળદગાડાને તિલક કરી શ્રીફળ ફોડીને પ્રથમ ગાડામાં ભગત,પાવરીવાળો અને ઘરના ધણી - ધણિયાણી પૂજા ની ટોપલી(હિજારી,હિદારી,ટોપલી ) લઈને બેસે છે, તથા દરેક બળદગાડામાં સફેદ ધજા બાંધવામાં આવતી હોય છે.સાથે શેરડીનો સાંઠો પણ મુંકાય છે,અને બધા જ બેઠેલા લોકો બોલે છે.પોતાની સ્થાનિક ભાષામાં બોલે છે,"તોરહો રોય છુરીયાસોય,દેવલીમાડી ધૂરીયાસોય "( અમને દેવલીમાડીએ બોલાવ્યા છે તેથી દેવલીમાડી ની જય જયકાર )આમ, બોલી બળદગાડા હાંકે છે,અને રસ્તામાં આવતાં સાતભૂત સ્થળની પુંજા કરે છે.અને રસ્તામાં આવતા દેવસ્થાન ની પણ પુંજા કરતા જાય છે.અને આખા રસ્તે પાવરીવાળા,ટાપરાવાળા સંગીતમય વાદ્ય વગાડે છે,અને સાથે ગીત ગાનારા ગીતો ગાતા જાય છે.આમ,આ સદીઓ જૂની પરંપરાગત પ્રચલિત રીત-રિવાજ ને અનુસરણ કરતાં કરતાં દેવલીમાડીનુ પવિત્રધામ આવી જાય છે.ત્યા મોટા ઝાડ નીચે પડાવ નાખવા માં આવે છે.એ ઝાડની ફરતે બધા જ બળદગાડાને સાત ફેરા ફરાવવામા આવે છે.ગીત ગાનારા,પાવરીવાળા,ટાપરાવાળા ને ભગત(બડવો) દેવલાકડી ઠોકીને નાચે છે.ચીચીયારી પાડે છે.ગાયણા(ગીત) ગાય છે. જેમ કે," તોરહો રોય ધુરીયાસોય,તોરહો રોય ધુરીયાસોય,દેવલીમાડીયે ધુરીયાસોય,તોરહોરોય,ધુરીયાસોય,કાદાહાવાળી,વેગહાવાળી,દુધનાહણી રિયાસોય.રજાતા માનતા છૂટાયેનાહા ધુરીયાસોય(ઉદાહરણ તરીકે,"લક્ષ્મણની માનતા પૂર્ણ કરવા આવ્યા છે અને તેથી માતા લક્ષ્મણભાઈ ના ઘર માં,ખેતીવાડીમાં,જેમાં કાંદા બટાકા,રીંગણા,અનાજ જેવા પાકોમાં બરકત રાખી માટે આજે અમે તમને ચઢાવ્યા છે.અમારી બધી જ આશા પૂર્ણ થઈ છે તેથી માતા તમારી જય જયકાર)જગ્યા બાંધ્યા પછી બડવો,પાવરીવાળો અને બધા જ પૂજા કરનાર લોકો ડુંગરની તળેટીમાં આવેલા કુદરતી પાણીના ઝરા પાસે જાય છે.જ્યાં કુંડમાં સ્નાન કરે છે.(તેને સ્થાનિક પ્રાદેશિક ગામીત બોલીમાં નાહણી કહે છે.)પછી એ જગ્યાની પૂજા કરીને.ત્યાંથી પોતાના પડાવે જાય છે.અને બધા જ સ્નાન કરીને આવે એટલે જગ્યા ની વચ્ચે ચોખાનો ઢગલો કરે છે. એ ચોખાની ઉપર સફેદ ધજા,લાલ ધજા,શ્રી ફળો મુકે છે. ચોખાની ઉપર બાહાણી(માતાજી ની યાદમાં મુકાતી કાદવની મૂર્તિ ) મૂકવાં માં આવે છે.અગરબત્તી કરી ને નાચતા કૂદતા પાવરી,દેવલાકડી,ટારપુ વગાડતા ચિચિયારી પાડે છે,અને પૂજા માટે જાય છે રસ્તે પથ્થર ઉપર દૂધ તુલસી ની ડાળી છંટકાવ કરે અને શાકભાજી મૂકે છે,એમ ડુંગર ઉપર આવેલ ત્રણ પથ્થરોની વચ્ચે ગુફામાં બિરાજેલા દેવલી માડી માતાજી ના મુળ સ્થાને પહોંચે છે.
જેમાં સૌથી પહેલા સૂર્યદેવ (હુરજો,દાહડૉ) ની ચોખ્ખી પુજા થાય છે ત્યારબાદ.તળેટીમાં આવેલા દેવલીમાડીની ગુફામાં બડવો પહોચીને વિધિવત રીતે વિધિ કરીને સફેદ,લાલ ધજા ચઢાવે છે, અગરબત્તી કરીને કોડીયામાં રાખેલ અંગારા પર ઘી રેડી ધૂપ કરે છે.ફુલ ચડાવી ચોખાની ત્રણ પુંજ કરે છે અને બડવો જેની માનતા રાખી હોય એનું નામ લઈને કહે, જેમ કે " જો આયા કાયજા હાટી લક્ષ્મણ નાવનો ધણી હોય ચ્યા માનતા માનેલી તી પૂરી કોરા હારી યેનહા તોદિહિ આયા આમાહાય પોયહા હાટી,ઘોરા - બારા હાટી,પોરીયા - ટોરીયા હાટી, ડોબા - ઢાડા હાટી , કનસરીયે હાટી.તી ટેક રાખીયેલ તી ટેક આયા તૂમહાય પુરી કોઅયા.ચ્યા હાટી આયા આમા જી બોલી ટાકીયેલ તી લેયની માનતા પુરી કોરા યેને.રણજીતા નાવનો ધણી હેયે ત્યે બોલી ટાકીયેલ કા વાહતો કુકાડ,ને એક બોકાડ ચઢાવીહ બાદા આમા આયા ચઢાવા યેનહા,આયા તો આજે યેનો આયા આમહાથી કાઈ બુલચૂક ઓવી તે આમાહાલ માફ કોઓજે (હે માડી,અમે લક્ષ્મણની માનતા રાખેલી એ માનતા પુરી કરવા આવ્યા છીએ.જે ઘર,પશુ,ખેતીવાડી,છોકરા,રુપિયા માટે માનતા રાખેલી અને પુરી થાય એ માટે જે બોલી કરેલી હતી એ મુજબ બોલતો કુકડો,બકરો અમે ચડાવવા(રમતો મુકવા)લાવ્યા છીએ.માડી,જો અમારી કોઈ ભુલ થઈ હોય તો અમને માફ કરજો )આમ,બોલીને મરધો,બકરો માતાની સામે લાવીને મરઘાને બેસાડીને બે તાળી પાડવામાં આવે છે.કંકુનો તિલક કરે છે.ત્યાં થી મરધા,બકરાને લઈને જે જગ્યાએ વધ કરવા નું હોય ત્યાં લય જાય છે.ભગત જે ચોખાની પુંજ પાડેલી ત્યાં થી થોડા ચોખા , શાકભાજી પુજાની થાળી હિજારી મા મુકે છે.પછી ગૂફાની બહાર ડાંગર માંથી બનાવેલ તોરા(તોરણ)બાંધે છે.તેની સાથે એ તોરા પરનુ ડાંગર પોતે લયને હિજારીમાં મુકે છે.
તો બીજી તરફ આ બધી વિધિમાં પાવરી સતત વગાડતી રહેવા પડે છે.પછી નાહણી પાસે મગરોદેવની પુજા તથા કિતારદેવીની પુજા કરી ને માતાજી ની જય બોલાવતા ત્યા થી નીકળી પડાવ નાખ્યો હોય ત્યાં આવે છે. પુંજા માથી લાવેલ ચોખા,શાકભાજી ત્યા રાખેલ સામગ્રીમાં ભેળવી દે છે.ત્યારબાદ રસોઈ બનાવાય છે.એ સમયે પાછા બડવો,ધણી,ટાપરાવાળો,પાવરીવાળો ડુંગર ની ઉપર બિરાજમાન માતાજી ના ગઢ પર નાચતાં કુદતા પુંજા કરવા જાય છે.ત્યા માટીનો ઘોડો મુકે છે.ચોખાની પુંજ પાડવામાં આવે છે.અને મહુડા ના પહેલી ધાર ના દારુની છાક પાડવામાં આવે છે.અહિ પણ ડાંગર માથી બનાવેલા તોરણ બાંધવામાં આવે છે,ને માતાની વિશિષ્ટ રીતે પુંજા થાય છે.પછી નીચે પડાવ પર આવીને સાથે આવેલ લોકોમાં દારુ,તાડી ની વારે-વારે બે-બે છાક પીવડાવાય છે,અને ગીતો ગાઇ ને નાચે છે.બડવો જે મરધો બકરાની બલી ચઢાવે છે.એ મરધાના પીંછા ને બકરાની પૂંછ દેવને ચઢાવે છે.એટલે કે દોરી સાથે બાંધી ને એક ઝાડ સાથે બાંધે છે.પછી જ રસોઈ બનાવવામાં આવે છે.રસોઈ બની ગયા પછી જે રસોઈ ચૂલા પર બની છે,એ ચૂલાની પૂજા થાય છે.ચુલાના પથ્થરો ઉપર શાક,ભાત, રોટલો મુકીને અગ્નિમાં દારુની છાક પાડવામાં આવે છે.દેવલીમાડીની જય ને બોલી ને રસોઈ માતાજીને ચઢાવવા માટે બડવો લઈને જાય છે. પછી કુટુંબીજનો એક પગાથમાં જમવા બેસે છે,ત્યારબાદ રસોઈ પીરસવામાં આવે છે,સાથે દારૂ ની છાક અપાય છે.બધા જ મસ્તી સાથે આનંદ પૂર્વક જમે છે,દેવીની પૂજા કરે છે પછી સાંજે વાજીંત્રો વગાડતા વગાડતા રવાના થાય છે.ઘરે જતાં જતાં રસ્તામાં (વાટ બોળાવો )એક જાતનો ચોકીદારનું છેલ્લુ સ્થાન દેવલીમાડીના ચોકીદાર પણ કહેવાય છે.તેની પણ છેલ્લે જતા જતાં પૂજા કરવામાં આવે છે,ત્યારબાદ ઘરે જઈને પછી પુંજા માંથી થી લાવેલ અનાજ બરકત આવે,હમેશાં અનાજ ભરેલ જ રહે,તે હેતુથી થી ઘરના કોઠારો(મોહટી)માં ભેળવી દેવામાં આવે છે.આમ,દેવલી માડી ના સ્થાનક દેવલપાડા મુકામે આ પ્રદેશ ના સ્થાનિક આદિવાસી સમુદાય લોકો દ્વારા સદીઓ થી આ એક ખૂબ જૂની પરંપરા પ્રમાણે માનતા માણી ને તેને ખૂબ જ ધામધૂમથી પુરી કરવામાં આવે છે.
જે આદિવાસીઓની ઓળખ હોવાનો ઉત્તમ પુરાવો પણ રજૂ કરે છે,જે આજના આધુનિક યુગના વિકસતા વિકાસ ના લીધે દિવસે-દિવસે ભુલાતું જાય છે.જે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા ના રીત-રિવાજો,સાંસ્કૃતિક વારસો અને પ્રચલિત લોકવાયકાઓ આજના સમયમાં ખૂબ ઓછા લોકો માં સચવાય રહેલ છે.જેને સાચવું ખૂબ જરૂરી છે,આજના સમયમાં.તો બીજી તરફ આ પંથક ડુંગરાળ પ્રદેશ અને ડાંગ ના જંગલો થી ઘેરાયેલો હોવાથી પ્રાકૃતિક વાતાવરણ માં પ્રકૃતિ પ્રેમીઓના આકર્ષણ નું કેન્દ્ર બની અનેક પ્રવાસીઓ નું મન જીતી લે છે.આ વિસ્તારમાં દેવ મોગરા,સોનગઢ નો કિલ્લો,ઉકાઈ ડેમ,કનસરી માડી,ગૌમુખ તેમજ અનેક જૂનાં શિવાલયો અને આદિવાસી સમુદાય ના દેવ સ્થાનકો ફરવાલાયક અને જોવાલાયક છે...
બોરીયા પ્રાથમિક શાળાના શિક્ષક શ્રી છતીશ ભાઈ ગામીત સાથે..
✍️પંચમહાલ નો ભોમિયો
લક્ષ્મણ રાઠવા ઘોઘંબા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો