સૌરાષ્ટ્ર,કાઠીયાવાડ સહિત સમગ્ર રાજ્યમાં ગામડે ગામડે જેનાં સ્થાનક આવેલ છે,એવાં ખોડિયાર માતાજી નો ઇતિહાસ...

સૌરાષ્ટ્ર,કાઠીયાવાડ સહિત સમગ્ર રાજ્યમાં ગામડે ગામડે જેનાં સ્થાનક આવેલ છે,એવાં ખોડિયાર માતાજી નો ઇતિહાસ...
       પણાં ભારત દેશ ના પશ્ચિમ ખૂણે આવેલ ગુજરાત રાજયના સૌરાષ્ટ્રની ધરામાં અનેક ઐતિહાસિક વાર્તાઓ,પ્રેમ કે શોર્ય ગાથાઓ વિસ્તારે વિસ્તારે વિખરાયને પડેલી સાંભળવા મળે છે,આ વિસ્તારની વીતી ગયેલ સત્યઘટનાઓ,ફક્ત કોઈ દાદા-દાદી ના મુખે સાંભળવા મળે તો સાથે  કોઈ ને કોઈ જૂનાં પુરાણોમાં  કે પછી સમયની સાથે આ દુનિયામાંથી ખોવાઈ ગયેલા કવિઓના વર્ષો જૂનાં પુસ્તકો માં કંડારેલા પ્રસંગોમાં જોવાં મળી આવે છે,તેનો અમર ઇતિહાસ કાઠિયાવાડ,સૌરાષ્ટ્રના ચોપડે અમર મનાય છે,જેને સાંભળીએ તો આપણાં રૂંવાડાં ઊભાં થઈ જાય સાહસિકતા કોને કહેવાય પ્રેમ કોને કહેવાય.ત્યારે આવી પવિત્ર ભૂમિ ઉપર આપણી ભાતીગળ સંસ્કૃતિમાં ચારણકુળમાં જન્મેલી ઘણી આ દીકરીઓને કાઠિયાવાડે સાક્ષાત માતાજી તરીકે પૂજયા છે.જેમાં ખોડિયાર માતાજી આમાંના એક છે. તેમનાં પિતાનું નામ મામડિયા અથવા મામૈયા અને તેમનાં માતાનું નામ દેવળબા અથવા મીણબાઈ હતું.તેઓ કુલ સાત બહેન અને એક ભાઈ હતાં.તેમનું વાહન મગર મનાય છે.તેમનો જન્મ આશરે ૭મી સદીમાં મહા સુદ આઠમના દિવસે થયો હતો.જેથી તે દિવસે ખોડિયાર જયંતિ તરીકે ઉજવવામાં આવે છે.
       
        બોટાદ જિલ્લાના બોટાદ પંથકના રોહિશાળા ગામમાં મામડિયા નામે આજ થી સદીઓ પહેલાં ચારણ રહેતા હતાં.તેઓ વ્યવસાયે માલધારી હતાં અને ભગવાન શિવનાં પરમ ઉપાસક હતાં.તેમનાં પત્ની દેવળબા પણ ખુબજ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતાં. તેઓ માલધારી હોવાથી ઘરે દુઝાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો.પણ ખોળાનો ખુંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને થયાં કરતું હતું. મામડિયા અને દેવળબા બંન્ને ઉદાર,માયાળુ અને પરગજુ હતાં.તેમના આંગણે આવેલું કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછું ન જાય એવો આ ચારણ દંપતિનો વણલખ્યો નિયમ હતો.તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો.જેને મામડિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી.મામડિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈક ખુટતુ હોય તેમ લાગતુ. વલ્લભીપુરના રાજવી શિલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતાં. તેમને રાજા અને મામડિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખૂંચતી હતી. એક દિવસ રાજાનાં મનમાં બહુ ચાલાકીપૂર્વક એવુ ઠસાવવામા આવ્યુ કે મામડિયો નિઃસંતાન છે, તેનું મો જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણુ રાજ પણ ચાલ્યુ જશે. અને એક દિવસ મામડિયા પોતાનાં નિત્યક્રમ મુજબ પ્રભાતનાં પહોરમાં રાજમહેલે આવીને ઊભા રહ્યા. રાજવીનાં મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું. કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં 'મિત્રતા હવે પૂરી થાય છે’ તેમ કહી શિલાદિત્ય પોતાનાં મહાલયમાં ચાલ્યા ગયા.

         ત્યાર બાદ રાજાનાં વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામડિયાને ખુબજ દુઃખ થયુ.આમ,તેને જે જે લોકો સામે મળ્યા તે વાંઝિયામેણા મારવા લાગ્યા. તેનાથી ખુબ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી.મામડિયાને જીદંગી હવે તો ઝેર જેવી લાગવા માંડી. ભક્તિમય જીવન જીવતા મામડિયાએ ભગવાન શિવના શરણમાં માથુ ટેકવ્યું અને શિવાલયમાં શિવલીંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો પોતાનું મસ્તક ઉતારીને કમળપૂજા ચડાવશે.મામડિયો ભગવાનની આરાધના કરવા લાગ્યો. આમ છતા કાંઈ સંકેત ન થયા અને પોતાનુ મસ્તક તલવારથી ઉતારવા ગયા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળલોકનાં નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું.આમ,મામડિયો તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી,તેની પત્નીએ ભગવાન શિવનાં કહેવા મુજબ સમય જતાં મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા,જે તરત જ મનુષ્યનાં બાળસ્વરૂપે પ્રગટ થયા.
          
          આમ,મામડિયાને ત્યાં અવતરેલ કન્યાઓનાં નામ આવડ,જોગડ, તોગડ,બીજબાઈ,હોલબાઈ,સાંસાઈ,જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું.ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે, એક વખત મામડિયા ચારણનાં સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખુબજ ઝેરી ગણાય તેવા સાપે દંશ દીધો હતો. જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતેય બહેનોના જવ અદ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતાં. તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળલોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સુર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખિયાનો જીવ બચે તેમ છે.આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા. તેઓ જયારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી. આવુ બન્યુ ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને? ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનુ વાહન પણ મગર જ છે. જયારે તેઓ પાણીની બહાર ખોડાતા ખોડાતા આવતા હતાં તેથી ત્યારથી ખોડિયાર નામ પડયું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારનાં નામે જ ઓળખવા લાગ્યાં.તો સ્થાનકો અને વિસ્તાર પ્રમાણે અલંગ અલગ રીતે તેમનાં પ્રાગટ્ય વિશે લોકવાયકા સાંભળવા મળે છે.શ્રી ખોડિયાર માતાજીનાં મંદિરો ગુજરાત રાજયનાં સૌરાષ્ટ્રમાં મુખ્ય ત્રણ છે,જે ધારી પાસે આવેલ ખોડિયાર ડેમ નજીક ગળધરા,વાંકાનેર પાસે માટેલ અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે.તેમનાં આ સ્થાનકોએ પાણીનાં ધરાઓ આવેલા છે.ભાવનગરમાં તાતણિયા ધરા પાસે તેમનું મંદિર છે એટલે તેઓ તાતણિયા ધરાવાળી પણ કહેવાય છે. 

          ભાવનગરના મહારાજાઓના કુળદેવી છે.મહારાજ વખતસિંહજી તેમના અનન્ય ભક્ત હતા.એમ કહેવાય છે કે તેઓ જયારે યુધ્ધ જતાં ત્યારે માતાજી નાના પંખી કાળીદેવના રૂપમાં આવીને ભાલે બેસતાં પછી જ મહારાજ વિજયસવારી માટે સિધાવતા હતા.વખતસિંહજીએ તો નાનું મંદિર બંધાવ્યું હતું પરંતુ ભાવસિંહજી બીજાએ મંદિરને કમાડ ચડાવ્યા હતા.તો આ રાજપરા ખોડિયાર માતાજી મંદિર જ્યાં તાંતણિયા ધરાવાળા સ્થળે માતા ખોડીયાર પ્રગટ થયાં હતાં.ત્યાં કહેવાય છે કે અહીં વર્ષો પહેલાં ભાવનગરનાં ગોહિલ વંશના પ્રજાવત્સલ રાજવી પોતાના વંશના કુળદેવી ખોડિયાર માતાનું સ્થાપન રાજધાનીમાં કરવા ઇરછુક હતા. જેથી આ રાજવીએ રાજપરા નજીક ખોડિયાર માતાજીને ભાવનગર આવવા પ્રસન્ન કર્યા હતાં. માતાજીએ પ્રસન્ન થઈને શરત રાખી કે હું તારી પાછળ-પાછળ આવીશ પણ તારે પાછું વળીને જોવું નહીં. જેથી મહારાજા આગળ-આગળ અને પાછળ આ ભકતવત્સલ માતાજી ચાલતા હતાં. આમ રાજાની સાથે આવેલો રસાલો હાલના ભાવનગર બાજુ આગળ ને આગળ ચાલ્યો જતો હતો, પણ વરતેજ આવ્યું ત્યારે મહારાજાના મનમાં સંશય જાગ્યો કે ખોડિયાર માતા પાછળ આવે છે કે નહીં? આ પ્રશ્નના નિરાકરણ માટે શંકા વધુ ને વધુ ગાઢ થતાં આખરે મહારાજાએ પાછું વળીને જોયું. બસ ખલ્લાસ, આ જ સ્થળે માતાજી સમાઈ ગયાં. આ સ્થળે માતાજીનું સ્થાનક થયું તે આજે વરતેજ નજીકનું સુપ્રસિદ્ધ નાની ખોડિયાર મંદિર. 

          રાજપરા મંદિર નારી ચોકડીથી ૯ કિલોમિટરનાં અંતરે આવેલ છે, પરંતું મોટાભાગના લોકો ત્યાંથી ચાલીને જવું પસંદ કરે છે અને રાજપરા ખોડિયાર મંદિર તરફ ભાવનગરથી ચાલીને જતાં દરેક માઇભકતો નાની ખોડિયાર મંદિરે પણ અચૂક દર્શન કરે છે.આમ,રાજપરા ખોડિયાર મંદિર એ માતાજીનું પ્રાગટય સ્થાન સમું મોટું તીર્થ છે, અને નાની ખોડિયાર મંદિર એ માતાજી જયાં સમાયા તે સ્થાનક છે. આ સ્થળ હરવા-ફરવા, ઉજવણીના સ્થળ તરીકે જાણીતું છે.અહીં આવવા ભાવનગરથી દર રવિવારે સિટી બસની ખાસ વ્યવસ્થા આખો દિવસ હોય છે. ખોડિયાર મંદિરની બાજુમાં જ તાંતણીયો ધરો નામનું તળાવ આવેલું છે,થોડે દુર આવેલા રાજપરા બંધનું બાંધકામ ૧૯૩૦થી ૧૯૩પ દરમિયાન રૂ. ૩,૩૮,૦૪૫ ખર્ચે ભાવનગરના રાજવી પરિવારે કરાવ્યું હતું. ખોડિયાર મંદિર નજીકની ડુંગરમાળામાંથી ઉરચ કક્ષાના પથ્થરો મળી આવે છે. આ યાત્રાધામે દર ભાદરવી અમાસે બહોળી સંખ્યામાં રાજય અને રાજય બહારથી પ્રવાસીઓ આવે છે.ભાવનગર, સિહોર, વરતેજ જેવાં સ્થળોએથી દર શનિવારની મોડી રાત્રે મોટી સંખ્યામાં પગપાળા યાત્રિકોનો બહોળો સમુદાય ખોડિયાર મંદિર ભણી વહેતો હોય છે. અહીં મંદિરથી હાઈવે સુધી અનેક દુકાનો આવેલી છે.તો એક તરફ ઉત્તર ગુજરાતમાં પાટણ નાં સમી તાલુકાનાં વરાણા ગામે પણ ખોડિયાર ધામ આવેલ છે.જ્યાં આ પ્રદેશ ની ભાતીગળ સંસ્કૃતિનાં દર્શન કરાવતા મીનીકુંભ મેળામાં ગુજરાત સહિત દેશભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ દર્શનાર્થીઓ તલ - સાકર અને તલ - ગોળની સાની ચડાવવાની વર્ષો જૂની પરંપરા પૂરી કરે છે અને આ પ્રસાદ ભક્તોમાં વહેંચાય છે.હજારો વર્ષોથી આસ્થા અને શ્રદ્ધાની જ્યોત એવા વઢિયાર પંથકમાં સુપ્રસિદ્ધ વરાણાધામ આવેલું છે.આ વરાણા ખાતે મહાસુદ એકમથી પૂનમ સુધી પંદર દિવસ ચાલનાર મેળો ભરાય છે .જેમાં દૂર - દૂરથી શ્રદ્ધાળુઓ માતાનાં દર્શનાર્થે આવે છે.

          તો મધ્ય ગુજરાતમાં પંચમહાલ ની ધરા ઉપર ગોધરા નજીક છબનપુર મુકામે અંગ્રેજોના શાસનકાળથી નિર્મિત ખોડિયાર મંદિર આવેલું છે. જે આ વિસ્તારમાં હાલમાં ખૂબ મોટા પાયે વિસ્તાર પામેલ છે.અહીં સ્થાનિક લોકવાયકા મુજબ અંગ્રેજોના ના સમય માં જીવણબહેન ચારણે પથ્થરો મૂકી મા ખોડિયારની મૂર્તિ બનાવી અંગ્રેજો પાસેથી પશુઓને છોડાવવા અહીં સ્થાપના કરી હતી.અહીં દર વર્ષે ખોડિયાર જયંતીની ઉજવણી ભારે ધામધૂમપૂર્વક કરવામાં આવે છે.અહીં ચારણ ગઢવી , ભરવાડ જ્ઞાતિના લોકોના માતાનો માંડવો,લોક ડાયરા,સમૂહલગ્ન જેવા અનેક કાર્યક્રમો યોજાય છે.આમ,રાજકોટ જિલ્લામાં સરધાર પાસેનાં ભાડલા ગામે ખોડિયાર માતાજી તેમજ તેમનાં છ બહેનો અને ભાઈ મેરખીયાનું મંદિર આવેલું છે.તો લેઉવા પટેલ સમાજે થોડાં સમય પહેલાં શ્રી ખોડીયાર માતાજીનું ભવ્ય મંદિર ખોડલધામ કાગવડ,ખાતે નિર્માણ કર્યું છે.જેની મુર્તિ પ્રતિષ્ઠા ૨૧ જાન્યુઆરી ૨૦૧૭ ના થઈ હતી.આ ઉપરાંત રાજ્યભરમાં અનેક પ્રાચીન વાવોમાં,ડુંગરોમાં,નદીકિનારે અને દરા ઉપર પણ ખોડિયાર માતાજીનાં સ્થાનકો જોવા મળે છે.જ્યાં લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા રહે છે ને માના આશીર્વાદ મેળવી ધન્યતા અનુભવે છે...

✍️:-પંચમહાલ નો ભોમિયો 
                        લક્ષ્મણ રાઠવા ઘોઘંબા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ.....ભાગ-૧

છોટાઉદેપુર પંથકના માખણીયા ડુંગર ની એક મુલાકાત..

ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે