મંદિર ના દેવી દેવતાં સામે આજના માનવ ની ભક્તિ....

મંદિર ના દેવી દેવતાં સામે આજના માનવ ની ભક્તિ....

     માનવના સંદર્ભમાં આ વાત કેટલી યથાર્થ છે ! થોડા સાચા ભક્તોને બાદ કરતાં ,દુનિયા માં આજે વિશાળ માનવસમુદાય મને ખુલ્લેઆમ છેતરી રહ્યો હોય એમ લાગે છે.
     આજના સમયમાં માનવી એમ માની બેઠો છે કે મારા નિરંજન,નિરાકાર અને સર્વવ્યાપી રૂપને બદલે પાષાણ(પથ્થર)ની આ પ્રતિમાની પૂજા કરવાથી તેને ગમે તેમ વર્તવાનો પરવાનો મળી જાય છે. સૃષ્ટિના અણુએ અણુમાં ધબકતા મારા હૃદયને દિવસરાત દૂભવ્યા પછી,માનવી અહીં આવીને મને રિઝવવા અનેક ઉપાયો કરે છે.મારી દિવ્ય જ્યોતિથી આખું જગત પ્રકાશિત થાય છે,છતાં અણસમજુ માનવ મને નાનકડા દીવાથી રિઝવવા મથે છે.

       આજ ના માનવી મેં જ સર્જેલાં સુકોમળ ફૂલોને નિષ્પ્રાણ બનાવીને મારી સામે ધરે છે,અને તે મૂલ્યવાન વસ્ત્રો અને આભૂષણો પહેરી મારી પાસે આવે છે ત્યારે તે મને ઝાંખો પાડવા પ્રયત્ન કરતો હોય એમ લાગે છે.મને બહેરો અને બેધ્યાન સમજીને,જાણે મને શુદ્ધિમાં લાવવા પ્રયત્ન કરતો હોય એમ,તે જોરશોરથી ઘંટ વગાડે છે,અને મારાં દેવાલયની બહાર ટળવળતાં દુઃખી માનવીનાં હૃદયના ચિત્કારો મારે કાને ન પડે તે માટે કદાચ તે આ ઘોંધાટ કરતો હશે ! આજે માનવી કેટકેટલા પ્રપંચમાં અટવાઈ ગયો છે !

        એ અહંકાર કરે છે.અપશબ્દો ઉચ્ચારે છે,ખોટું બોલે છે, બીજાને નુકસાન પહોંચાડવા હંમેશાં આતુર રહે છે,બીજાની નિદા અને બૂરાઈ કરે છે,એ અણહકનું ઝૂંટવી લે છે,ધર્મના નામે ઝઘડા કરે છે, સંપ્રદાયના નામે એકબીજાનો દ્વેષ કરે છે,અને  ઈર્ષાની આગમાં બળતો રહે છે,કપટ અને છળ એની ટેવ બની ગઈ છે.આવું બધું કરવા છતાં એ માને છે કે મંદિરમાં જઈ દેવનાં દર્શન કરવાથી પવિત્ર થઈ જવાશે અને ઈશ્વર મારાં બધાં દુષ્કૃત્યો માફ કરી દેશે.માનવીની આવી અણસમજ જોઈ મને ખરેખર દુઃખ થાય છે.

        આનો અર્થ એ નથી કે કેવળ પાખંડીઓ જ મારા મંદિરમાં આવે છે.જગતની જંજાળથી કંટાળેલા પરમ શાંતિના ઉપાસકો પણ અહીં આવે છે.તેઓ મને રિઝવીને દુન્યવી સિદ્ધિઓ મેળવવાની ઝંખના સેવતા નથી.તેમને માનવજીવનની ક્ષણભંગુરતા અને સૃષ્ટિસંચાલન પાછળ રહેલી શક્તિની સમજ હોય છે.ઊંડું પાણી સપાટી પરથી શાંત અને સ્થિર જણાય છે, તેમ આવા ભક્તોનું બાહ્ય વર્તન આડંબર રહિત હોય છે.દુર્ભાગ્યે આવા સાધકો વિરલ હોય છે. 

       મેં સર્જેલા જીવોમાંથી ફક્ત માનવી જ પોતાના હ્રદયની નિર્મળતા દ્વારા મારી સર્વોચ્ચ શક્તિનો સાક્ષાત્કાર કરી શકે છે. ખરેખર માં તો માનવીનું આત્મતત્ત્વ સમગ્ર સૃષ્ટિના આત્માથી અભિન્ન છે.એ આત્મતત્ત્વને અનુભવવા માટે માનવીએ નિરભિમાની અને નિષ્કામ બનવું જોઈએ.પોતાના અહમ્ભાવને સદંતર ઓગાળી નાખનાર અને આજીવન નિઃસ્વાર્થ સમાજસેવા કરનાર માનવી મંદિરમાં ન આવતો હોય તોય હંમેશાં મારી સમીપ રહે છે...

પંચમહાલ પ્રદેશ નો ભોમિયો..
લક્ષ્મણ રાઠવા ઘોઘંબા

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ.....ભાગ-૧

છોટાઉદેપુર પંથકના માખણીયા ડુંગર ની એક મુલાકાત..

ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે