ભારતનું એક અનોખું સ્થાન જ્યાં ધબકે છે જગતના નાથ ભગવાન કૃષ્ણ નું હૃદય એવાં અનેક રહસ્યો થી ભરપૂર ગણાતાં જગન્નાથપુરી મંદિર નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ....
ભારતનું એક અનોખું સ્થાન જ્યાં ધબકે છે જગતના નાથ ભગવાન કૃષ્ણ નું હૃદય એવાં અનેક રહસ્યો થી ભરપૂર ગણાતાં જગન્નાથપુરી મંદિર નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ....
આપણો દેશ પ્રાચીન સમયથી જ ધર્મ,સાંસ્કૃતિક, આધ્યાત્મિક અને સમૃદ્ધિ ધરાવતા વારસા ના કારણે સમગ્ર વિશ્વમાં આપણો દેશ એક અનોખું સ્થાન ધરાવે છે,ત્યારે આપણાં દેશમાં ભિન્ન ભિન્ન સંસ્કૃતિ સાથે ખૂણે ખૂણે અનેક પ્રાચીન સમયના યુગો પુરાણા ઐતિહાસિક,ચમત્કારિક,અનેક રહસ્યો થી ભરપૂર,ધાર્મિક, સાંસ્કૃતિક-કલાં વારસો ધરાવતા નાના-મોટા અસંખ્ય સ્થળો આવેલા છે,જેનાં લીધે આજે ભારતમાં વિશ્વભરના પ્રવાસીઓ મુલાકાત લેવા માટે આવતા હોય છે.ત્યારે આજે જાણીએ દેશનાં ઓડીસા રાજ્યમાં આવેલ પુરી શહેરના અનોખા રહસ્યમય ભગવાન જગન્નાથજી નાં મંદિર વિષે.પુરી શહેરમાં શ્રી જગન્નાથ મંદિર સ્થિત છે આ મંદિર ભગવાન જગન્નાથ (શ્રીકૃષ્ણ) ને સમર્પિત છે.જગન્નાથનો અર્થ છે જગતના સ્વામી તેમની નગરી જ જગન્નાથપુરી કહેવાય છે.જે મંદિર હિન્દુઓના ચારધામોનાં તીર્થમાંથી એક છે,કહેવાય છે કે,મરતા પહેલાં દરેક હિંદુએ ચારધામની યાત્રા કરવી જોઈએ,તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે.જગન્નાથ પુરીમાં ભગવાન વિષ્ણુનાં અવતાર કૃષ્ણ નું મુખ્ય નિજ મંદિર છે,
જે દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે.આ જગન્નાથ મંદિરનું નિર્માણ ૧૨ મી સદી સુધીનું માનવામાં આવે છે.તે કલિંગ શાસક અનંતવાર્મન ચૌડગંગા દેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું અને પાછળથી તેના વર્તમાન સ્વરૂપમાં રાજા આંગંગ ભીમદેવ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું.આ મંદિરમાં ત્રણ દેવતાઓ બિરાજમાન છે - ભગવાન જગન્નાથ, તેમના મોટા ભાઇ બલભદ્ર અને બહેન સુભદ્ર - જેમની કદાવર લાકડાના મૂર્તિઓ સિંહાસન પર બેસતી હોય છે. બલભદ્રા છ ફૂટ ઊંચું છે, જગન્નાથ પાંચ ફુટ છે, અને સુભદ્રા ચાર ફુટ લાંબી છે.જેમાં ભગવાન જગન્નાથ, જે બ્રહ્માંડના ભગવાન તરીકે ગણવામાં આવે છે,તે ઓડિશાના અધ્યક્ષ દેવતા છે અને રાજ્યના મોટાભાગના ઘરો દ્વારા વિશ્વાસુપણે પૂજા કરે છે.જગન્નાથ પૂજાની સંસ્કૃતિ એ એકીકૃત છે જે સહિષ્ણુતા, સાંપ્રદાયિક સંવાદિતા અને શાંતિને પ્રોત્સાહન આપે છે.
આ મંદિર માં બિરાજમાન ભગવાન જગન્નાથ ની મૂર્તિ વિશે કહેવામાં આવે છે કે આજથી ૫૦૦૦હજાર વર્ષ પહેલાં દ્રાપરયુગ ના અંતમાં અને કળયુગ ના પ્રારંભમાં દ્વારિકા નગરી થી દુર દ્વારકાનગરના જનોમાં દિવસે દિવસે વધતાં જતાં, વ્યભિચાર,કલેશ,ઝઘડાઓ,જેવાં બનાવો થી દુઃખી થઈ ચિંતાતુર થયેલા ભગવાન કૃષ્ણ આજના સૌરાષ્ટ્ર પ્રદેશના પ્રભાસ ક્ષેત્રમાં સોમનાથ નજીક એક પીપળના ઝાડ નીચે આરામ કરી રહ્યા હતા,તે જ સમયે જરા નો ભીલ આ જગ્યાએ શિકાર કરવા આવ્યો હતો, જે ભગવાન કૃષ્ણના મુંગુટ માં પરોવેલી ચમકતી મોતીને જોઇ ને હરણ ની આંખ સમજી તેની તરફ એક ઝેરી છોડતાં તે ઝેરી તીર કૃષ્ણ ના પગના તળિયા માં વાગ્યું હતું.અને પછી ભગવાન શ્રી કૃષ્ણ એ એને પોતાના જીવનની છેલ્લી પળ માનીને પોતાનો દેહ છોડી દીધો હતો..
ભાલકા તિર્થ, સોમનાથ
(જે સ્થળ હાલમાં ભાલકા તિર્થ તરીકે ઓળખવામાં આવે છે,)અને જ્યારે શ્રીકૃષ્ણના અવસાન વિશે પાંડવોને ખબર પડી.ત્યારે તેઓએ તેમની વિધિ પૂર્વક અંતિમ સંસ્કાર કર્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ નું આખું શરીર રાખમાં ફેરવાઈ ગયું,પણ બ્રહ્મા શ્રી કૃષ્ણના હૃદય માં બિરાજમાન હતાં, આ કારણે તેનું હૃદય રાખ ના થયું અને સતત ને સતત સળગતું જ રહ્યું, પછી આકાશવાણી પ્રમાણે, સળગતું હૃદય પાંડવોએ સાગરનાં પાણીમાં વહાવી દીધું ત્યાર પછી આ હૃદયે લાકડાના એક કટકાનું સ્વરૂપ (પિંડ) લીધું અને હિંદ સાગરમાં તરતું તરતું તે પૂર્વ કાંઠા ના કિનારે પહોંચ્યું તે સમયે,પૂર્વ અવંતિકાપુરીના રાજા ઇન્દ્રદ્યુમ્ન,જે ભગવાન જગન્નાથના એક મહાન ભક્ત હતા, તેમને સપનું આવે છેકે, ભગવાનનું હૃદય સમુદ્રના પાણીમાં તરી રહ્યું છે,જેથી તેમણે ભગવાન શ્રી કૃષ્ણની પ્રતિમા બનાવડાવી જોઈએ અને મંદિરનું નિર્માણ કરવું જોઈએ.તેમને સ્વપ્નમાં દેવદૂત કહે છે કે કૃષ્ણ સાથે બલરામ અને સુભદ્રાની લાકડાની પ્રતિમા બનાવવામાં આવે.અને શ્રીકૃષ્ણના હૃદયને પ્રતિમાની પાછળ છેદ કરીને રાખવામાં આવે.સવાર થતાં સાગર કાંઠે આવીને રાજા જુએ તો પિંડ (ભગવાનનું હૃદય) પાણીમાં તરતા જોવા મળ્યું,રાજાનું સપનું સાચુ પડ્યુ તેને હૃદય મળી ગયું,પરંતુ હવે તે વિચારી રહ્યો હતો કે,પ્રતિમાઓનું નિર્માણ કોણ કરશે,કહેવાય છે કે એજ સમયે શિલ્પકાર ભગવાન વિશ્વકર્મા એક સામાન્ય સુથારના રૂપમા પ્રકટ થાય છે.અને રાજા ને મળીને મૂર્તિનું કાર્ય શરૂ કરે છે.કાર્ય શરૂ કરતાં પહેલાં તે રાજા સહિત અન્યને જણાવે છે કે,તેમને પરેશાન કરવામાં ન આવે,નહી તો કામ અધુરૂ મૂકીને જતા રહેશે.
થોડા મહિના વીતી ગયા છતાં મૂર્તિ બની ન હતી.જેથી ઉતાવળનાં કારણે રાજા સુથારના રૂમનો દરવાજો ખોલી નાખે છે.એવું થતાં જ ભગવાન વિશ્વકર્મા ગાયબ થઈ જાય છે.અને મૂર્તિ બની શકતની નથી,પરંતુ રાજા અધુરી મૂર્તિને સ્થાપિત કરી દે છે.આમ,ભગવાન જગન્નાથની મૂર્તિની અંદર આ દ્વીપ-આકારનું હૃદય સ્થાપિત કર્યું. પ્રાચીન સમયમાં સ્થાપિત થયેલ શ્રી કૃષ્ણનું હૃદય આજે પણ ભગવાન જગન્નાથની મૂર્તિમાં સ્થાપિત છે.આજ સુધી કોઈ પણ વ્યક્તિએ આ પિંડ (ભગવાનનું હૃદય) ને પોતાની નજરે જોયું નથી અને જ્યારે ૧૨ અથવા ૧૯ વર્ષમાં મૂર્તિઓ બદલવામાં આવે છે,ત્યારે પૂજારીની આંખે પાટા બાંધી દેવામાં આવે છે અને તેના હાથ પણ કપડાથી ઢાંકી ત્યારબાદ ભગવાનના આ પિંડ ને એક મૂર્તિ માંથી બીજી મૂર્તિમાં જોયા વગર જ સ્થાપિત કરવામાં આવે છે.તેથી મંદિરના પુજારી તે પિંડ (ભગવાનનું હૃદય) ને જોઈ શકતા નથી,તેને સ્પર્શ પણ કરી શકતા નથી.તેમને ફક્ત એવું લાગે છે કે હૃદયનું આ પિંડ ખૂબ જ નરમ છે.
જગન્નાથ પુરી મંદિરની ત્રણેય મૂર્તિઓ દર ૧૨ વર્ષે બદલવામાં આવે છે.જૂની મૂર્તિઓની જગ્યાએ નવી મૂર્તિઓ સ્થાપિત કરવામાં આવે છે.મૂર્તિને બદલવાની આ પ્રક્રિયાથી સંબંધિત એક રસપ્રદ કથા પણ છે. જ્યારે મૂર્તિઓને બદલવામાં આવે છે, ત્યારે સમગ્ર શહેરમાં વીજળી કાપવામાં આવે છે.મંદિરની આજુબાજુ સંપૂર્ણ અંધકાર છે. મંદિરની બહાર સીઆરપીએફ સુરક્ષા ગોઠવવામાં આવે છે. મંદિરમાં કોઈપણના પ્રવેશ પર પ્રતિબંધ છે. ફક્ત તે જ પુજારીઓને મંદિરની અંદર મંજૂરી છે જેમણે મૂર્તિઓ બદલવી પડશે. આખરે શું છે આ બ્રમ્હ પદાર્થ ? આજ સુધી કોઈને પણ આ બ્રમ્હ પદાર્થ શું છે તે વિશે કોઈ માહિતી નથી.મૂર્તિની બદલી કરનારા પુજારીઓ પાસેથી થોડીક વાર્તાઓ સાંભળી છે. આ બ્રમ્હ પદાર્થને દર ૧૨ વર્ષે જૂની મૂર્તિથી નવી મૂર્તિમાં બદલવામાં આવે છે, પરંતુ મૂર્તિ બદલનારા પૂજારીને પણ ખબર નથી કે તે શું છે. એવું માનવામાં આવે છે કે જો કોઈ આ બ્રમ્હ પદાર્થને જોશે, તો તે મરી જશે. એવું પણ કહેવામાં આવે છે કે જો કોઈ વ્યક્તિ આ પદાર્થને જોશે, તો તે વ્યક્તિના શરીરના ચીંથરા ઉડી જશે.એક પ્રાચીન કથા છે કે આ બ્રમ્હ પદાર્થ હંમેશાં તેને શ્રી કૃષ્ણ સાથે જોડીને જોવામાં આવે છે. મૂર્તિ બદલનારા કેટલાક પૂજારીઓએ કહ્યું છે કે જ્યારે બ્રમ્હ પદાર્થને જૂની મૂર્તિમાંથી કાઢીને નવી મૂર્તિમાં મૂકવામાં આવે છે, ત્યારે તે સમયે એવું લાગે છે કે હાથમાં કંઈક સસલાની જેમ કૂદી રહ્યું છે, કંઈક ધબકતું જીવંત વસ્તુ લાગે છે, કોઈક એવી વસ્તુ છે જેમાં જીવન છે જેને ભગવાન શ્રી કૃષ્ણ નું જીવંત હૃદય માનવામાં આવે છે.અર્થાત્ આ બ્રમ્હ પદાર્થ જીવંત પદાર્થ હોવાની કથાઓ ચોક્કસપણે છે, પરંતુ તેની વાસ્તવિકતા શું છે તે કોઈને ખબર નથી તો બીજી તરફ આ મંદિર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ રહસ્યમય લોકકથાઓ,વાઈકાઓ જેના પાછળનું કારણ વિજ્ઞાનીકો પણ આજ સુધી શોધી શક્યા નથી.
આ દુનિયાનું સૌથી ભવ્ય અને ઊંચુ મંદિર છે.આ મંદિરનો વિસ્તાર આશરે ૪ લાખ વર્ગફુટ છે, આની ઊંચાઈ આશરે ૨૧૪ ફુટ છે. મંદિર પાસે ઉભા થઈ તેનું મુખ્ય ગુંબજ જોવું અસંભવ છે. આખા દિવસમાં ક્યારેય મુખ્ય ગુંબજનો પડછાયો દેખાતો નથી.મંદિરના શિખર પર સુદર્શન ચક્ર લાગેલું છે શહેરના કોઈ પણ વિસ્તારથી તમે આ ચક્ર જોઈ શકો છો કોઈ પણ સ્થળથી આ ચક્ર જોવા પર તે આપણી સામે હોય એવું જ લાગે છે.શ્રી જગન્નાથ મંદિરની ધ્વજા હંમેશા હવાની વિપરિત દિશામાં લહેરાય છે આનું કારણ હમણા સુધી શોધી નથી શકાયું. આ ધ્વજાને રોજ સાંજે બદલવામાં આવે છે જે વ્યક્તિ ધ્વજા બદલે છે તે ઉંધો થઈને ઉપર ચઢે છે. આ ધ્વજા ખૂબ જ ભવ્ય અને સુંદર છે તેના પર ભગવાન શિવનો ચંદ્ર બનેલો છે.તો સામાન્ય રીતે મંદિરોના શિખર પર પક્ષીઓ બેસતાં હોય છે પણ મંદિરના ગુંબજની આજુ બાજુ કોઈ પક્ષી ઉડતું નથી મંદિરની ઉપરથી વિમાન પણ પસાર નથી થતાં કહેવાય છે.તો બીજી બાજુ સામાન્ય રીતે દરીયા કિનારા પર દિવસ દરમિયાન પવન દરિયાથી જમીન તરફ આવે છે અને સાંજે જમીનથી દરિયા તરફ જાય છે પણ પુરીમાં આનું વિપરિત થાય છે અહીં દિવસ દરમિયાન પવન જમીનથી દરિયા તરફ જાય છે.તો નિજ મંદિરના મુખ્ય દ્વારથી અંદર પ્રવેશ કરતાંની સાથે તમને દરિયાની કોઈ અવાજ નહી સંભળાશે પણ જેમ જ તમે મંદિરથી એક પગલું બહાર આવશો તમે તે અવાજને સાંભળી શકાય છે.આ મંદિર એ વાતનું પ્રમાણ છે કે આપણા પૂર્વજો કેટલા મોટા જાણકાર ઈજનેર અને સ્થાપત્ય નિષ્ણાત હતાં.મંદિર નજીકમાં ૯ મી શતાબ્દીમાં આદિ શંકરાચાર્ય અહીં આવ્યા હતાં અને ચાર મઠો પૈકી એક ગોવર્ધન મઠની સ્થાપના કરી હતી.જે મઠ અહીંયા આવેલો છે.અહીં દર ૧૨ વર્ષે નવી પ્રતિમાઓ બનાવવામાં આવે છે આ પ્રતિમાઓનો આકાર અને રૂપ એ જ હોય છે કહેવાય છે કે તે મૂર્તિઓની પૂજા કરવામાં નથી આવતી માત્ર દર્શન માટે મૂકવામાં આવે છે.તો કહેવાય છે કે દરિયાએ ૩ વાર જગન્નાથ મંદિરને ક્ષતિ પહોંચાડી હતી ત્યારે ભગવાન જગન્નાથે હનુમાનજીને અહીં દરિયાને નિયંત્રિત કરવા નિયુક્ત કર્યા હતાં.હનુમાનજી વારંવાર ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાના દર્શન કરવા નગરમાં જતા રહેતા હતાં અને તેમની પાછળ દરિયો પણ નગરમાં પ્રવેશ કરી જતો હતો.આ કારણથી ભગવાન જગન્નાથે,હનુમાનજીને અહીં સોનાની બેડીઓથી બાંધી દિધા હતાં.જગન્નાથપુરીના દરીયા કિનારે બેડી હનુમાનજીનું પ્રાચીન અને પ્રખ્યાત મંદિર છે,આ મંદિરમાં ગેર ભારતીય ધર્મના લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે.અગાઉ મંદિરને ક્ષતિ પહોંચડાવાના અનેક પ્રયાસ કરવામાં આવ્યા હતાં આ જ કારણથી આ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.બીજી બાજુ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે તો રોજ ૫૦૦ રસોઈયા ૩૦૦ સહયોગીઓ સાથે મળીને ભગવાન જગન્નાથનો પ્રસાદ બનાવે છે. કહેવાય છે કે પ્રસાદ ૮–૧૦ હજાર લોકો માટે જ બનાવવામાં આવ્યો હોય તો પણ આનાથી લાખો લોકો પેટ ભરીને જમી શકે છે. અહીં આશરે ૨૦ લાખ શ્રદ્ધાળુઓ રોજ ભોજન કરી શકે છે. અહીં ક્યારે પણ પ્રસાદ ફેંકવો નથી પડતો. પ્રસાદ બનાવવા માટે ૭ વાસણો એક ઉપર એક મૂકવામાં આવે છે પ્રસાદ લાકડીઓ ઉપર જ બનાવવામાં આવે છે. રસપ્રદ વાત છે કે સૌથી ઉપરના વાસણમાં મુકેલી વસ્તુ પહેલાં ચઢે છે પછી નીચેના વાસણોમાં મુકેલી વસ્તુઓ ચઢે છે.બીજી તરફ મંદિરની બહાર સ્વર્ગ દ્વાર છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ માટે મૃતદેહોનું અગ્નિસંસ્કાર કરવામાં આવે છે, પણ તમે મંદિરની બહાર જશો ત્યારે જ તમને મૃતદેહોના સળગવાની ગંધ આવશે.તો આ જગ્યાનું એક મહત્વપૂર્ણ મુખ્ય આકર્ષણ જગન્નાથ પુરીની રથયાત્રા છે.જે કોઈ તહેવારથી કમ નથી.તેને પૂરી સિવાય દેશ તેમજ વિદેશોના ઘણા વિસ્તારોમાં કાઢવામાં આવે છે.
જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે.જગન્નાથ (કૃષ્ણ), સુભદ્રા અને બલરામની મૂર્તિઓનું જગન્નાથ મંદિરમાં તો આખું વર્ષ પૂજન અર્ચન કરાય જ છે પણ વર્ષમાં એક વખત, અષાઢી બીજના દિવસે, ત્રણે મૂર્તિઓને મોટા મોટા રથમાં પધરાવી બડા ડન્ડા તરીકે ઓળખાતી પુરીની મુખ્ય બજારમાં થઈ આશરે ત્રણ કિ.મી. દૂર સ્થિત ગુંડિચા મંદિરે લવાય છે અને જાહેર જનતાને દર્શનનો લાભ આપવામાં આવે છે. આ તહેવાર "રથયાત્રા" તરીકે ઓળખાય છે. આ રથ ખુબ જ મોટાં પૈડાંવાળા, સંપૂર્ણ કાષ્ટનાં બનેલા હોય છે. જે દર વર્ષે નવા બનાવાય છે અને તેને ભાવિકજનો દ્વારા ખેંચીને લઈ જવાય છે. જગન્નાથજીનો રથ આશરે ૪૫ ફિટ ઊંચો અને ૩૫ ફીટનો ચોરસ ઘેરાવો ધરાવતો હોય છે જેને બનાવતા બે માસ જેટલો સમય લાગે છે. પુરીનાં કલાકારો અને ચિત્રકારો આ રથનાં વિશાળ પૈડાંઓ કાષ્ટમાંથી કોતરેલા રથ અને ઘોડાઓ પર ફૂલપાંખડીઓ અને અન્ય આકૃત્તિઓ ચીતરે છે તેમજ સુંદર રીતે શણગારે છે. રથના સિંહાસનની પીઠિકા પર પણ ઉલટા કમળફૂલોની આકૃત્તિઓ ચિતરવામાં આવે છે.આ રથયાત્રાને "ગુંડીચા યાત્રા" પણ કહેવામાં આવે છે.રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે. જેને કારણે આ મહોત્સવનું આયોજન વર્ષો થી થાય છે.અમુક લોકોનું માનવું છેકે, કૃષ્ણની બહેન સુભદ્રાજી પિયર આવે છે. અને તેમના ભાઈઓ સમક્ષ નગરભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે,ત્યારે ભગવાન કૃષ્ણ,ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગર ચર્યાએ નીકળે છે. ત્યારબાદથી રથયાત્રાના પર્વની શરૂઆત થઈ છે.તેના સિવાય કહેવાય છે કે, ગુંડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન કૃષ્ણનાં માસી છે, જે ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપે છે. એટલે ભગવાન શ્રીકૃષ્ણ , ભાઈ બલરામ અને બહેન સુભદ્રજી સાથે માસીનાં ઘરે ૧૦ દિવસ રહેવા માટે જાય છે.તો અનેક વિસ્તારની લોકકથા મુજબ શ્રીકૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે, તેના માટે કંસ ગોકુલમાં સારથિ સાથે રથ મોકલાવે છે. ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે. એટલે ત્યારબાદ રથયાત્રાની શરૂઆત થઈ છે.તો અમુક લોકોનું માનવું છેકે, આ દિવસે શ્રી કૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ-બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા માટે નીકળે છે.તો કેટલીક માન્યતાઓ અનુસારભગવાન કૃષ્ણની રાણીઓ માતા રોહિણીને તેમની રાસલીલા સંભળાવવા માટે કહે છે. માતા રોહિણીને લાગે છેકે, કૃષ્ણની ગોપીઓ સાથેની રાસલીલા વિશે બહેન સુભદ્રાએ સાંભળવું જોઈએ નહી. એટલે તે સુભદ્રાજીને બલરામ અને કૃષ્ણ સાથે રથયાત્રામાં મોકલી દે છે.તે સમયે ત્યાં નારદજી પ્રકટ થાય છે.અને ત્રણેયને એકસાથે જોઈને પ્રસન્ન થઈ જાય છે. અને પ્રાર્થના કરે છેકે, આ ત્રણેયનાં દર્શન આજ રીતે દર વર્ષે કરવા મળે.તેમની આ પ્રાર્થના સાંભળી લેવામાં આવે છે અને એટલે જ દરવર્ષે રથયાત્રા દરમ્યાન આ ત્રણેયનાં દર્શન કરવા મળે છે.આમ,જગન્નાથની આ રથયાત્રા છેક પુરાણ કાલિન હોવાનું જણાય છે.
બ્રહ્મ પુરાણ, પદ્મ પુરાણ અને સ્કંદ પુરાણમાં આ રથયાત્રાનું આબેહુબ વર્ણન જોવા મળે છે.કપિલ સંહિતામાં પણ રથયાત્રાનો ઉલ્લેખ મળે છે.મુઘલ કાળ દરમિયાન પણ, જય પુર રાજસ્થાન ના રાજા રામસિંહે પણ ૧૮મી સદીમાં પુરી ખાતે યોજાતી જગન્નાથજીની રથયાત્રાનું વર્ણન કરેલું જાણવા મળે છે.પુરી ની રથ યાત્રા પછી ગુજરાતમાં અમદાવાદ ના જમાલપુરમાં આવેલ જગન્નાથ મંદિરેથી નીકળતી રથયાત્રા ૧૪૪ વર્ષથી રથયાત્રા યોજાય છે.ગુજરાત ની સૌથી મોટી રથ યાત્રા વિશે થોડું જાણીએ તો અમદાવાદ ના જમાલપુરમાં આવેલાં ૪૦૦ વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી સવારે રથયાત્રાનો પ્રારંભ થાય છે અને કુલ ૧૪ કિ.મી.નું અંતર કાપી સાંજે ફરી મંદિરે આવે છે. આ રથયાત્રાના એક પખવાડીયા પહેલાં, એટલે કે જેઠ માસની પૂનમને દિવસે જગન્નાથજીનો સ્નાન ઉત્સવ (જલયાત્રા) યોજાય છે. આ પ્રસંગે મંદિરમાં રહેલી મૂર્તિઓને સરઘસ સ્વરૂપે સાબરમતી નદીના કિનારે પવિત્ર સ્નાન માટે લઈ જવાય છે. આ યાત્રામાં ૧૮-૨૦ હાથીઓ સાથે હજારો ભક્તો, માથે પીતળનાં પાણી ભરેલા ઘડા લઈને જોડાય છે. સ્નાન પછી મૂર્તિઓને સરસપુરના રણછોડજી મંદિરે લઈ જવાય છે. ત્યાં વિરામ પછી જગન્નાથજી મંદિરે પરત લવાય છે અને ત્યાં હજારો શ્રદ્ધાળુઓની હાજરીમાં મહાઅભિષેક કરવામાં આવે છે રથયાત્રા સવારે ૭-૦૦ વાગ્યાની આસપાસ શરૂ થાય છે. એ પહેલાં પરંપરાગત રીતે ગુજરાતના મુખ્યમંત્રી મંગલા આરતી (પ્રભાતની પહેલી આરતી)માં હાજર રહે છે અને રથયાત્રાના માર્ગની સફાઈના પ્રતિકરૂપ "પહિંદ વિધી" કરે છે. રથયાત્રા બપોરે સરસપુર ખાતે રોકાય છે.જ્યાં સ્થાનિક નિવાસીઓ દ્વારા ભગવાન જગન્નાથ અને સઘળાં યાત્રીકો, શ્રદ્ધાળુઓને મહા ભોજ (પ્રસાદીરૂપે ભોજન) કરાવાય છે. સાંજે ૮-૩૦ આસપાસ રથયાત્રા ફરીને જગન્નાથ મંદિરે પરત આવે છે. આ રથયાત્રામાં ત્રણ મુખ્ય રથો સાથે ૧૮-૨૦ શણગારેલા હાથી અને વિવિધ અખાડાનાં સાધુઓ અને તેમનાં મહંતોની સવારીઓ પણ હોય છે.અમદાવાદની રથયાત્રા પુરીની રથયાત્રા પછીની દ્વિતિય ક્રમની સૌથી મોટી અને સૌથી જૂની રથયાત્રા કહેવાય છે.....
✍️પંચમહાલ પ્રદેશ નો ભોમિયો
લક્ષમણ રાઠવા ઘોઘંબા
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો