ભારતભરના આદિવાસીઓમાં વર્ષની શરૂઆતનાં પહેલા તહેવાર અખાત્રીજ નું મહત્વ...

ભારતભરના આદિવાસીઓમાં વર્ષની શરૂઆતનાં પહેલા તહેવાર અખાત્રીજ નું મહત્વ...
 
આદિકાળથી ગાઢ જંગલ કે દુર્ગમ પ્રદેશના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસીઓ ભારતની સૌથી જૂની પ્રજા માનવામાં આવે છે,જે ભારતભરમાં અનેક વિસ્તારોમાં વસવાટ કરે છે,ગુજરાતમાં ઉત્તર ગુજરાત અંબાજી થી દક્ષિણ ગુજરાત ઉમરગામ સુધી ગુજરાતની પૂર્વ સરહદીય પટ્ટીમાં આવેલ ડુંગરાળ પ્રદેશમાં મોટાં ભાગે આદિવાસીઓ નો વસવાટ સદીઓ મનાય છે, પ્રાચીન સંસ્કૃતિ પ્રમાણે  આદિવાસીઓ દ્વારા તેમનાં વર્ષનાં પહેલાં તેમના તહેવાર અખાત્રીજને કુદરતી સિધ્ધાંતની સમાન રીતે ઉજવવામાં આવે છે,અખાત્રીજને ઉત્તર,પૂર્વ,દક્ષિણ ગુજરાતના આદિવાસી સમુદાયના લોકો દ્વારા સાંસ્કૃતિક પરંપરા પ્રમાણે ખેત ઓજારોની પૂજા ઉપરાંત નવા ધાન્યના વાવેતરની સાથે ગામ અને સમાજના કલ્યાણ માટે કામના કરતી પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે,ગુજરાતના આદિવાસી સમાજમાં અખાત્રીજના દિવસે દરેક ઘરના એક એક વ્યકિત પ્રતિનિધિત્વ તરીકે ગામમાં ભેગા થાય છે,ફાળો કરે છે,અને ગામના ભગત(બડવાં) પાસે ગામનાં હિમાર્યા દેવની (ક્ષેત્રપાળ) પૂજા અર્ચના કરવામાં આવે છે.સમયસર અને સારું ચોમાસું આવે એવી,ઢોર ઢાંખર સારા રહે,ગામમાં કોઈ રોગચાળોના આવે,દરેક વ્યકિતનું આરોગ્ય સારું રહે,ચોમાસું સારું રહે અને ધનધાન્ય થકી સમૃદ્ધિ વધે એ માટે સંકલ્પ કરી પૂજા કરવામાં આવે છે.આ દિવસે પોતાના પૂર્વજોને યાદ કરી ખતરરીજ દેવની પૂજા કરી પૂર્વજોનાં આશીર્વાદ મેળવવામાં આવે છે,સાથે બકરાં મરઘાં ની બલી આપીને ગામનાં ગોંદરે કે સીમાડે આંબા,આસોપાલવ,લીમડાનાં પાન ને દોરડાં કે દર્ભ(ડભોડો)સાથે ગુંથીને હળદરવાળા ચોખા કરીને તોરણ બાંધવા માં આવે છે,સાથે પોતાના ઘરોના આગણા માટે અનેક નાનાં મોટાં તોરણ બનાવીને દરેક વ્યક્તિ ને આપવામાં આવે છે,સાથે અખાત્રીજે પંચમહાલ,દાહોદ,છોટાઉદેપુર,સહિત અન્ય જિલ્લાના તાલુકાઓમાં તેમજ ઉત્તર-દક્ષિણ ગુજરાતના તમામ આદિવાસી વિસ્તારોના આદિવાસી ખેડૂત બાંધવોએ પોતાની વર્ષોની પરંપરા પ્રમાણે આજે ધરતી માતાની, ખેતઓજારો, બળદગાડા, બળદ, ગાય તેમજ પોતાની ખેતી વાડીના ખેતરે જઈને પૂજા કરવાની પરંપરા બરકરાર રાખતાં હોય છે,આદિવાસી સમાજના ખેડૂતો આજે અખાત્રીજના દિવસથી ખેતીના પાકનું આયોજન કરવાની તૈયારી શરૂ કરવામાં આવે છે. ખેતી ઓજારોની મરામત કરી સાધનો સજ્જ કરવામાં આવે છે.બિયારણો મેળવવા, ખેતી માટે નવા બળદોની ખરીદી, શેઢા પાળા સરખાં કરવા,ધરુવાડિયું તૈયાર કરવા,ખાતર કાઢવું વગેરે ખેતી કામ માટેનું આયોજન કરી ચોમાસુ આવે એ પહેલાં તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવે છે,ત્યારે આ અખાત્રીજ ના દિવસે નાનાં મોટાં સ્થળોએ અનેક જગ્યાએ મેળાઓ પણ ભરાતા હોય છે,બનાસકાંઠા ના અંબાજી પાસે વર્ષોથી અખાત્રીજ નો ખુબ મોટો મેળો ભરાય છે,જેની ઉજવણી ભીલ ગરાસિયા જાતિ દ્વારા ઉજવાય છે. સ્ત્રીઓ માથે ઘાસમાંથી ગૂંથેલી ટોપલીઓ સાથે નૃત્ય કરે છે અને પુરૂષો ઢોલના નાદે તેમને સાથ આપે છે,ત્યારે આજનાં કોરોના વાયરસ ના લોકડાઉનના પગલે ગામના લોકો એક સાથે ભેગા થઈ શકયા ન હોય પરંતુ દરેકે પોતાના ખેતર જઈને કે ઘરમાં પૂજા કરતાં હોય છે....
પંચમહાલ પ્રદેશ નો ભોમિયો
✍️લક્ષ્મણ રાઠવા ઘોઘંબા...

ટિપ્પણીઓ

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

આદિવાસી સમુદાયની કુળદેવી દેવ મોગરા માતાજી નો ગૌરવ પૂર્ણ ઇતિહાસ.....ભાગ-૧

છોટાઉદેપુર પંથકના માખણીયા ડુંગર ની એક મુલાકાત..

ઉતર ગુજરાતમાં ગામોમાં ચૈત્ર નવરાત્રિમાં કે તેના દિવસો બાદ ફૂલના ગરબાની પરંપરા આજે પણ યથાવત છે.પ્લાસ્ટિક ફૂલો નો ઉપયોગ કરી લાકડા કે વાંસની પટ્ટીઓથી બનાવેલા ફૂલના ગરબા અને એની વચ્ચે કોરાવેલો ગરબો મૂકી એમાં દીવો કરીને આ ફૂલનો ગરબો માથે લઈને મહિલાઓ માતાજીના ગરબે ઘૂમે છે ત્યારે શક્તિની ભક્તિ કરતી નારીશક્તિને જોવા નો લહાવો કૈંક અલગ છે